વાંકાનેર: ઘણા વિસ્તારોમાં મતદાનમાં નિરસતાના વાવડ વચ્ચે વાંકાનેરમાં એક દિવ્યાંગ મતદાતાએ ટ્રાઈસીકલ પર આવીને મતદાન કરતા મતદાન મથકમાં ઉપસ્થિત ચૂંટણી કર્મચારીઓ આ મતદાતાની લોકશાહી પ્રત્યેની નિષ્ઠા જોઈ અભિભૂત થયા હતા. વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાં આવેલ બુથમાં કિશોરભાઈ અમરભાઈ નામના યુવા મતદાતાએ પગેથી અપંગ હોવા છતાં ટ્રાઇસીકલ પર આવીને મતદાન કર્યું હતું. છેક બુથ સુધી ટ્રાઇસીકલ પર બેસીને આવેલા મક્કમ મનોબળવાળા આ યુવાનને હેન્ડ સેનિટાઈઝર અને ડિસ્પોઝેબલ હેન્ડ ગ્લોઝ સહિતની કોવિડ-19ની ગાઈડલાઇન્સ મુજબની વ્યવસ્થા ટ્રાઇસીકલ પર જ ઉપલબદ્ધ કરાવવામાં આવી હતી. સ્વસ્થ અને સશક્ત મતદાતાઓ પણ જ્યારે મતદાન ન કરવા જવા માટે વિવિધ પ્રકારની બહાનેબાજી કરતા હોય છે ત્યારે આવા મતદાતાઓ જ ખરા અર્થમાં લોકશાહીની મજબૂત પ્રણાલીમાં કશું જ કહ્યા વિના મતદાનની મહત્તા સમજાવી જતા હોય છે.