વાંકાનેર : લોકશાહીમાં મતાધિકારની કિંમત સૌથી ઉપર છે. આ વાત બખૂબી જાણતા વાંકાનેર પોલીસ સ્ટાફ દ્વારા એક વૃદ્ધા મત આપી શકે તે માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ વૃદ્ધા ચાલી શકે તેમ ન હોય પોલીસ જવાનોએ તેમને ઊંચકીને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા. વાંકાનેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન ખાખીની પ્રસંશનીય કામગીરી સામે આવી છે. નવાપરા વિસ્તારમાં એક વૃદ્ધા અશક્ત હોય તેઓ ચાલીને મતદાન કરવા જવા સક્ષમ ન હતા. આ વાતની જાણ થતાં પીએસઆઈ બી.ડી. જાડેજા તેમજ સ્ટાફના ભરતભાઈ, શ્રદ્ધાબેન, કાજલબેન તેમજ અન્ય સ્ટાફે મળી તેમને ઊંચકીને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા. બાદમાં વૃદ્ધાએ મતદાન કર્યું હતું અને પોલીસ જવાનોએ ફરી તેઓને ઊંચકીને વાહન સુધી મૂકી જઈ ઘર સુધી પહોંચાડ્યા હતા. બીજી તરફ આ દ્રશ્ય જોઈ રહેલા લોકોએ વૃદ્ધાની લાગણીને પણ બિરદાવી હતી. તેઓ અસક્ષમ હોવા છતાં હોંશભેર મતદાન કર્યું હતું.