લૂંટારુઓએ લાકડાનો ધોકો ફટકારી દોઢ લાખ લૂંટી લીધા : ભોગ બનનાર સિવિલમાં દાખલ : ઘટના અંગે પોલીસ અજાણ મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર સોખડા ગામ નજીક રાજકોટથી રેતી ભરવા આવેલા ટ્રક ચાલકને લાકડાના ધોકા ફટકારી દોઢ લાખની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જો કે આ લૂંટની ઘટનાને પોલીસે સમર્થન આપ્યું નથી. બીજી તરફ લૂંટનો ભોગ બનેલ ટ્રક ચાલક સારવાર માટે સિવિલમાં આવ્યો હોવાનું અને મામલો પતી ગયાનું અને નાણાં પરત મળ્યાનું જણાવતા આ લૂંટનો મામલો ભેદભરમ વાળો બન્યો છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર સોખડા ગામ નજીક નદીમાં રેતી ભરવા માટેના ચિલ્લા મા રાજકોટથી રેતી ભરવા આવેલ નરેશ આદિવાસી નામના ટ્રક ચાલકને લૂંટારુએ ધોકો ફટકારી તેની પાસેથી દોઢ લાખની લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ ટ્રક ચાલકને મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો પરંતુ મામલો પતી ગયો હોવાનું અને પોતાની રકમ પણ મળી ગઇ હોવાનું જણાવ્યું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસને પૂછતાં આવો કોઈ બનાવ કાગળ ઉપર આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. જો કે ભેદભરમના આટાપાટા સર્જતી ઘટનામાં દોઢ લાખ જેવી મોટી રકમ લઈને ટ્રક ચાલક રેતી ભરવા આવ્યો હોવાનું પણ શંકાના દાયરામાં છે ત્યારે વિધિવત ફરિયાદ બાદ જ સત્ય બહાર આવે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.