મચ્છુ કેનાલ ઓવરફ્લો થવાથી સાઈફન તૂટી જવાથી લજાઈ ગામ પાસે રોડ ઉપર વગર વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ મોરબી : મોરબી રાજકોટ હાઇવે ઉપર લજાઈ ગામ પાસે વગર વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.જેમાં લજાઈ ગામ પાસે નીકળતી મચ્છુ કેનાલ ઓવરફ્લો થવાથી સાઈફન તૂટતા પાણીની રેલમછેલ થઈ હતી.પાણીની રેલમછેલ થવાથી ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રાજકોટ હાઇવે ઉપર લજાઈ ગામ પાસે નીકળતી મચ્છુ કેનાલ 1 આજે ઓવરફ્લો થઈ હતી. આ મચ્છુ કેનાલ ઓવરફ્લો થતા સાઈફન તૂટ્યું હતું.જેથી પાણીનો પ્રવાહ લજાઈ ગામ પાસે રોડ ઉપર પહોંચી ગયો હતો અને વગર વરસાદે આ વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો.રોડ ઉપર પાણી પાણી થઈ જવાથી ટ્રાફિકજામ સર્જાયો હતો અને વાહનોની કતારો લાગી હતી. આ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, મચ્છુ કેનાલનું પાણી રોડ ઉપર આવી ગયું હોય આ બાબતે મચ્છુ કેનાલના અધિકારીને મચ્છુ કેનાલમાં પાણી બંધ કરવાની જાણ કરી દેવાય છે.આ ઘટનાને પગલે ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકોને હાલાકી પડી હતી.