15 દિવસમાં એકપણ કેસો ન નોંધાતા હાલ પૂરતા વાંકાનેર, માળીયા અને ટંકારા કોરોના મુક્ત : રિકવરી રેટ 98 ટકા ખાનગી કોવિડ હોસ્પિટલો બંધ થવા લાગી : કોવિડ કેર સેન્ટરને પણ અલીગઢિયા મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગના કોરોનાના સત્તાવાર કેસોની સત્તાવાર માહિતીનું મૂલ્યાંકન કરીએ તો હવે કોરોના કહેર મોટાભાગે અંકુશમાં આવી ગયો હોય તેવું લાગે છે.છેલ્લા એક મહિનાથી કોરોના કેસો ઘટીને તળિયે પહોંચી ગયા છે. તેમાં પણ છેલ્લા 15 દિવસમાં માત્ર મોરબી પંથકમાં જ એકાદ બે કેસો નોંધાઈ છે અને વાંકાનેર, માળીયા અને ટંકારા પંથકમાં 15 દિવસમાં એકપણ કેસો ન નોંધાતા હાલ પૂરતા કોરોના મુક્ત હોય એવી ઉજળી સ્થિતિ સામે આવવાની સાથે મોરબી જિલ્લામાં કોરોના વાયરસની વિદાયની તૈયારી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. મોરબી જિલ્લામાં કોરોના કહેરમાં છેલ્લા એક મહિનાથી નિરાંત છે.છેલ્લા 15 દિવસમાં એકાદ બે કેસ મોરબીમાં નોંધાઈ છે.કોરોના કેસ ઘટવાની સાથે રિકવરી રેઈટ વધ્યો છે.અગાઉ 159 થી 200 જેવા કેસો એક્ટિવ રહેતા તેમાં હવે રિકવરી વધતા મોરબીમાં 12 અને હળવદમાં માત્ર એક જ કેસ એક્ટિવ છે.કુલ જિલ્લાના 3358 કેસમાંથી 13 કેસ જ એક્ટિવ હોવાથી 98 ટકા રિકવરી થઈ ગઈ છે.આ ઉપરાંત અગાઉ 1100 જેટલા દૈનિક કોરોના ટેસ્ટ કરવામાં આવતા હતા.તેમાં પણ ઘટાડો થતા હવે ખૂબ જ ઓછા ટેસ્ટ કરવામાં આવે છે.હાલ તો આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે કોરોના કહેર ઉપર લગામ આવી ગઈ હોવાનું ચિત્ર ઉપસ્યું છે.સમય જતાં લોકોમાં આરોગ્ય પ્રત્યે સાવચેતીની સાથે મનમાંથી કોરોનાનો હાઉ પણ દૂર થયો છે.લોકો મુક્તમને રોજિંદી જીવનશૈલીમાં પરોવાઈ ગયા છે.હાલ તો કોરોનાનો ડર ખૂબ ઓછો હોય તેવું લાગે છે.જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી મહાનગરોની જેમ કોરોના વધે છે કે કેમ તે જોવું રહ્યું કોરોના કાળમાં મોરબીમાં ત્રણથી ચાર ખાનગી કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી હતી અને કોરોના દર્દીઓને સઘન સારવાર આપવામાં આવતી હતી પણ હવે કોરોના કહેર ખૂબ જ ધીમો પડ્યો છે એટકે દર્દીઓની સંખ્યા કોવિડ હોસ્પિટલમાં ખૂબ ઘટી ગઈ છે. એકાદ બે કેસ પણ ક્યારેક ક્યારેક આવતા હોવાથી છેલ્લા 15 દિવસમાં ખાનગી કોવિડ હોસ્પિટલો પણ બંધ કરી દેવામાં આવી છે.આ ઉપરાંત મોરબીના જોધપર (નદી) ગામે આવેલ પાટીદાર કોવિડ કેર સેન્ટરને તાળા લગાવી દેવામાં આવ્યા છે.તેમજ તમામ તાલુકામાં અગાઉ શરૂ કરાયેલા સરકારી કોવિડ કેર સેન્ટરોને બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ એકમાત્ર મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ ચાલુ રખાયો છે.જ્યાં પણ ત્રણથી ચાર દર્દીઓ જ દાખલ છે .