મૃતક મહિલાના પતિએ પીટોલ ભુજ એસટી રૂટના ડ્રાઇવર સામે નોંધાવી ફરિયાદ હળવદ : હળવદ હાઈવે પર આવેલ મોરબી ચોકડી નજીક રોડ પર ગઈકાલે વહેલી સવારે બંધ પડેલા ટ્રક પાછળ એસટી બસ ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એસટી બસમાં સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં મૃતક મહિલા મુસાફરના પતિએ પીટોલ ભુજ એસટી રૂટના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માતના બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ મંગળવારે વહેલી સવારના પીટોલ ભુજ રૂટની એસટી બસ હળવદથી ભુજ તરફ જવા નીકળી હતી. ત્યારે હળવદ નજીક આવેલ મોરબી ચોકડી પાસે રોડ પર ટ્રક પાછળ એસટી બસ ધડાકા ભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં એસટી બસમાં સવાર મહિલા મુસાફર માજમબેન નાનજીભાઇ ડીંડોર (ઉવ.૪૦) નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું. જ્યારે એસટી બસમાં બેઠેલા અન્ય પાંચ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આથી, આ બનાવ અંગે મૃતક મહિલા મુસાફરના પતિ નાનજીભાઇ ધનાભાઇ ડીંડોર (ઉવ.૪૫ ધધો મજુરી રહે હીરાપુર સીમોડી ફળીયુ તા સંતરામપુર જી મહીસાગાર) એ પીટોલ ભુજ રૂટની એસ.ટી બસ નંબર GJ-18-Z-5605 નો ચાલક સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે એસટી ડ્રાઇવર સામે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.