સુસવાવ ગામના પૌઢ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે હડફેટે લીધા હળવદ : ગત મોડી રાત્રીના હળવદ તાલુકાના સુસવાવ ગામના પાટિયા પાસે અજાણ્યા વાહનચાલકે બાઈકચાલકને હડફેટે લેતા બાઈકચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થયો હતો. હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા મગનભાઈ રામજીભાઈ પટેલ (ઉંમર વર્ષ આશરે ૫૦) ગઈકાલે કોઈ કામ અર્થે દેવળીયા તરફ ગયા હતા અને રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ અમદાવાદ-કચ્છ હાઈવે પરથી સુસવાવ ગામ તરફ પોતાનું બાઇક લઇ પરત આવી રહ્યા હતા. તે વેળાએ સુસવાવ ગામના પાટિયા નજીક રોડ ક્રોસ કરતી વેળાએ અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા બાઈકચાલક છગનભાઇને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.