ઘેટાના ટપોટપ મોત નિપજતા પશુપાલન વિભાગ દોડતો : કાલથી રસીકરણ કેમ્પ મોરબી : મોરબીના કેટલાક ગામોમાં ઘેટામાં ભેદી રોગચાળો જોવા મળી રહ્યો છે અને છેલ્લા પાંચેક દિવસમાં જ ટપોટપ 200 જેટલા ઘેટાના મોટ નિપજતા પશુપાલન વિભાગ દોડતો થયો છે, જિલ્લા ઇન્ચાર્જ પશુપાલન અધિકારીએ આ રોગચાળાને માણસમાં જોવા અછબડા રોગચાળા જેવો ગણાવી આ રોગને શીપ પોક્સ કહેવાતો હોવાનું જણાવી આવતીકાલથી રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ખાસ કરીને ધુનડા સજનપર સહિતના ગામોમાં માલધારીઓના ઘેટાના ટપોટપ મોત થઈ રહ્યા હોવાથી પશુપાલન વિભાગ હરકતમાં આવ્યો છે અને પ્રાથમિક તપાસમાં આ રોગ માણસમાં જોવા મળતા અછબડા પ્રકારનો હોવાનું જિલ્લા ઇન્ચાર્જ પશુપાલન અધિકારી ડો.સબાપરાએ જણાવ્યું હતું.અને માલધારીઓના જણાવ્યા પ્રમાણે 200 ઘેટાં મૃત્યુ પામ્યા હોવાનું ઉમેરી આ રોગ વાઇરલ હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ મામલે ટંકારાના તાલુકા પશુપાલન અધિકારી ડો.એ.એન.કાલરીયાએ પણ ઘેટાઓના મૃત્યુ થવાની વાતને સમર્થન આપી આવતીકાલે ધુનડા ગામે કેમ્પ યોજી ઘેટાને રસીકરણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.