ભૂલથી ખાતામાં જમા થયેલા નાણાં પરત કરવા છતાં રૂ. 5900 કાપી લીધા : વારંવાર ધક્કા ખાવા છતાં મળતો ઉડાવ જવાબ મોરબી : મોરબીની પંજાબ નેશનલ બેન્કમાં ખાતું ધરાવતા એક યુવાનના ખાતામાં ભૂલથી રૂ. 5 હજાર કોઈએ જમા કરાવી દીધા હતા. આ રૂપિયા પરત કરી દીધા હોવા છતાં યુવાનના ખાતામાંથી વ્યાજ સાથે રૂ. 5900 કાપી લેવાયા હતા. આથી, આ પૈસા પરત મેળવવા માટે વારંવાર યુવાન ધક્કા ખાતો હોવા છતાં તેને પૈસાને બદલે ઉડાવ જવાબ મળતો હોવાની તેણે રાવ કરી છે. મોરબીમાં રહેતા કુણાલભાઈ નવીનચંદ્ર ઠક્કરે લેખિતમાં જણાવ્યું હતું કે તેઓ શહેરમાં આવેલી પંજાબ નેશનલ બેન્કની શાખામાં એકાઉન્ટ ધરાવે છે. દરમિયાન તેમના બૅંક એકાઉન્ટમાં કોઈએ ભૂલથી રૂ. 5 હજાર જમા કરાવી દીધા હતા. આ બાબતની જાણ થતાં તેઓએ બેન્કમાં રૂબરૂ જઈને એક એપ્લિકેશન કરીને જે વ્યક્તિના રૂપિયા તેમના ખાતામાં ભૂલથી જમા થઈ ગયા હતા તેને પરત કર્યા હતા. યુવાને પૈસા પરત કરી દીધા હોવા છતાં બેન્ક તરફથી તેમના ખાતામાંથી પૈસા કાપી લેવામાં આવ્યા હતા. જેમાં તેમના બેન્ક ખાતામાંથી એ જ વ્યક્તિના નામ પરથી વ્યાજ સાથે રૂ. 5900 કાપી લીધા હતા. ખોટી રીતે પૈસા કપાયા હોવાથી વારંવાર તેઓ બેન્કમાં પૈસા પરત મેળવવા ધક્કા ખાઈ છે. પણ બેંક મેનેજરે 'હું આમાં કાઈ ન કરી શકું.' એમ કહીને જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા છે. આથી, યુવાને આ બાબતે યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે.