યાર્ડમાં સારા ધાણાના રૂ.1600 સુધીના ભાવ : ભેજવાળા ધાણાનો અડધો ભાવ મોરબી : મોરબી જિલ્લામાં ધાણાનું વાવેતર કરનારા ખેડૂતોના ધાણા હાલમાં તૈયાર થઇ ગયા છે અને મોટાભાગના ખેડૂતો તલના વાવેતરની ઉતાવળમાં હાલમાં ભેજવાળા કે અર્ધ સુકાયેલા ધાણા બજારમાં ઠાલવી રહ્યા હોવાથી ખેડૂતોને પૂરતા ભાવ મળતા ન હોવાનું સામે આવ્યું છે કારણ કે હાલમાં સારી ક્વોલિટીના સૂકા ધાણાના 1600 રૂપિયા ઉંચો ભાવ મળી રહ્યો છે અને ભેજવાળા ધાણા ફક્ત 800 રૂપિયા પ્રતિમણના ભાવે ખપી રહ્યા છે જેથી એકંદરે ખેડૂતને મોટાપાયે નુકશાન જઈ રહ્યાનું ફલિત થઇ રહ્યું છે. મોરબી જિલ્લાના કૃષિ તજજ્ઞોના મતે હાલમાં જિલ્લામાં ટંકારા, હળવદ,વાંકાનેર અને મોરબી તાલુકામાં ધાણાનું પુષ્કળ વાવેતર થયું છે અને સાનુકૂળ વાતાવરણ રહેતા ધાણાનો પાક પણ સારો ઉતર્યો છે, ધાણાના પાકમાં કાપણી બાદ સામાન્ય રીતે 20 દિવસ કુદરતી વાતવરણમાં સુકાવા દઈ બાદમાં થ્રેસરમાં કાઢવામાં આવતા હોય છે પરંતુ સિંચાઈ સુવિધાવાળા વિસ્તારમાં ખેડૂતો ઉનાળુ તલના વાવેતર કરવાની ઉતાવળમાં ધાણા ઝડપભેર એટલે કે પૂરતા સુકાયા વગર કાઢી બજારમાં ઠાલવી રહ્યા છે પરિણામે ધાણાના યોગ્ય ભાવ મળવાને બદલે 800 રૂપિયા જેટલો જ ભાવ મળી રહ્યો છે. આ સંજોગોમાં હળવદ સહિતં અગ્રણી વેપારીઓએ ખેડૂતહિતમાં સલાહ આપતા જણાવ્યું છે કે ખેડૂતો ધાણાના પાકને ઉતાવળે બજારમાં મોકલવાને બદલે પૂરતા પ્રમાણમાં સુકાયા બાદ જ બજારમાં લાવે જો ઉનાળુ પાકના વાવેતરની ચિંતા હોય તો અન્ય જગ્યાએ ધાણા યોગ્ય રીતે સુકાઈ ત્યારબાદ જ યાર્ડમાં મોકલે તો હાલમાં 1500થી 1600 જેટલો ઉચો ભાવ મેળવી દર 100 મણ ઘણાએ 10થી 15 હજાર વધુ મેળવી શકે છે.