ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ આગવું અને સમૃદ્ધ છે. આજે 21 ફેબ્રુઆરી એટલે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. વિશ્વમાં ભાષા, સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષિતાને પ્રોત્સાહન આપવા તેમજ લોકોને પોતાની માતૃભાષા પ્રત્યે જાગૃત કરવાના હેતુથી 21 ફેબ્રુઆરી, 1999ના દિવસને યુનેસ્કોએ વિશ્વ માતૃભાષા દિવસ જાહેર કર્યો હતો. યુએનના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000થી વધુ છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં જાપાની, અંગ્રેજી, રુશી, બંગાલી, પુર્તગાલી, અરબી, પંજાબી, મેંડારિન, હિન્દી અને સ્પેનિશ છે. ભારતમાં વર્ષ 1961ની વસ્તી ગણતરી પ્રમાણે 1652 ભાષાઓ બોલાય છે. હાલમાં ભારતમાં 1365 માતૃભાષા છે. જેનો પ્રાદેશિક આધાર અલગ અલગ છે. પીપલ્સ લૈંગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા (પી.એલ.એસ.આઈ.)એ 2010માં 780 ભારતીય ભાષાઓ ગણાવી હતી. 40% ભારતીયો દ્વારા બોલાતી ભારતની સૌથી વધુ વપરાતી ભાષા હિન્દી છે. આ પછી બંગાળી (8.0%), તેલુગુ (7.1%), મરાઠી (6.9%), અને તમિલ (5.9%) છે. ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) 120 ભાષાઓમાં કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. દેશની સંસદમાં માત્ર 4% ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. માતૃભાષાનો અર્થ શું? બાળકને માતા તરફથી મળેલી ભાષા એટલે માતૃભાષા. પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. સામાન્ય રીતે, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન કર્યો હોય અને બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું હોય તે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું હોય તે ભાષા એટલે માતૃભાષા. માતુભાષા ગુજરાતી - ગુજરાતીઓનું ગૌરવ આપણી માતૃભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષાનો ઇતિહાસ ઘણો જૂનો છે. ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ આગવું અને સમૃદ્ધ છે. ગૂર્જર સામ્રાજ્યનો વિસ્તાર એટલે 'ગૂર્જરાત' અને ક્રમશ: એમાંથી થયું ગુજરાત. અને ગુજરાતની ભાષા એટલે ગુજરાતી. જે મુળ સંસ્કૃત, પ્રાકૃત, સૌરસેની પ્રાકૃત, પશ્ચિમી રાજસ્થાની, પ્રાચીન ગુજરાતી અને આધુનિક ગુજરાતી એ રીતે વિકાસ પામી છે. ગુર્જર વાણી, ગુર્જર લ્હાણી, ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત. - કવિ અરદેશર ફરામજી 'ખબરદાર' ગુજરાતી ભાષાના સાહિત્યમાં 15મી સદીમાં થઇ ગયેલા ભક્તકવિ નરસિંહ મહેતાથી શરુ કરી મીરાંબાઈ, દયારામ, પ્રેમાનંદ, અખો જેવા કવિઓએ અમૂલ્ય ફાળો આપ્યો છે. બાદમાં ઉમાશંકર જોશી, સુન્દરમ, કલાપી જેવા કવિઓ અને ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ, ગાંધીજી જેવા મહાન અનેક લેખકો થઇ ગયા. નર્મદનું 'જય જય ગરવી ગુજરાત' કાવ્ય વાંચી ગુજરાતી તરીકે ગૌરવ અનુભવાય છે. અશ્વિની ભટ્ટ અને હરકિશન મહેતાએ ગુજરાતી ભાષાને એક એકથી ચડિયાતી નવલકથાઓ આપી ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે. હાલમાં જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, સંજય રાવલ, શૈલેષ સગપરિયા, ગુણવંત શાહ સહિતના અનેક લેખકો પોતાની સાહિત્યિક કલમ વડે ગુજરાતી ભાષામાં યોગદાન આપી રહ્યા છે. આમ, ગુજરાતી ભાષા અતિ સમૃદ્ધ છે. તેને દેશ-વિદેશના સીમાડાઓ બાંધી શકે નહીં. એટલે કવિ 'ખબરદાર'એ લખ્યું હશે કે.. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!