મોરબી : મોરબીની નવલખી ફાટક અને રવાપર ચોકડીથી લીલાપર સુધી દરરોજ સર્જતો ટ્રાફિક જામ શહેરીજનો માટે શિરદર્દ સમાન બન્યો છે. આજે પણ રોજની જેમ જ બે કિમિ સુધી વાહનોની કતારો જોવા મળી હતી. મોરબી શહેર દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વાહનોની સંખ્યા પણ ભારે માત્રામાં વધી રહી છે. સામે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમનું તેમ જ છે. જેના કારણે ટ્રાફિક જામનો પ્રશ્ન દિન પ્રતિદિન ઘેરો બનતો જઇ રહ્યો છે. ખાસ કરીને નવલખી ફાટક પાસે ટ્રાફિકનો પ્રશ્ન રોજીંદો બન્યો છે. આજે પણ સાંજના સમયે અહીં ટ્રાફિક જામ થયો હતો. રોડ ઉપર બે કિમિ સુઘી વાહનોની કતાર લાગી હતી. આ સાથે રવાપર ચોકડીથી લીલાપર સુધી પહોંચવુ વાહનચાલકો માટે લોઢાના ચણા ચાવવા જેવું બન્યું હતું. બન્ને સ્થળોએ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ શહેરીજનો આ ટ્રાફિક પ્રશ્નને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પ્રશ્નનો ઉકેલ ક્યારે આવશે તેવી આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.