મોરબીમાં ચૂંટણી સાથે ચોરીની મોસમ પુરબહારમાં મોરબી : મોરબી શહેરમાં ચૂંટણીની મોસમ આવતાની સાથે છેલ્લા ત્રણેક દિવસથી નિશાચરો તરખાટ મચાવી રહ્યા છે,બે દિવસ પૂર્વે પંચાસર રોડ, ચિત્રકૂટ સોસાયટી સનાળા રોડ ઉપર ચોરીને અંજામ આપનાર તસ્કરોએ ગતરાત્રીના મહેન્દ્રનગર વિસ્તારની સોસાયટીમાં ત્રણેક મકાનને નિશાન બનાવી લાખેક રૂપિયા રોકડા અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવતા બી-ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં ત્રણ-ત્રણ મકાનોમાં ચોરીની ઘટના અંગે સ્થાનિક કક્ષાએથી જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રીના ત્રાટકેલા તસ્કરોએ સાનિધ્ય પાર્કમાં વિમલભાઈ મનજીભાઇ સારોડિયાના મકાનને નિશાન બનાવી બે તોલા સોનાના દાગીના ઉઠાવી ગયા હોવાનું ભાર આવ્યું છે આ ઉપરાંત નજીકમાં જ આવેલ ગ્રીન પાર્ક વિસ્તારમાં મનસુખભાઇ દલવાડીના મકાનમાંથી તસ્કરો રૂપિયા એકાદ લાખની રોકડ તેમજ સોનાની ત્રણ વીતી અને બુટી સહિતની માલમતા ઉઠાવી ગયાનું સૂત્રો જણાવી રહ્યા છે. દરમિયાન ચોરીની ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે ચોરી અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ ડી-સ્ટાફ સહિતનો પોલીસ કાફલો હાલ ઘટનાની વિગતો મેળવવા મહેન્દ્રનગર વિસ્તારમાં પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું.