8 ટીમો વચ્ચે એક્સલ સ્પોર્ટ એકેડેમીની ટીમ ટ્રોફી જીતવામાં રહી સફળ મોરબી: તાજેતરમાં ઓપન સૌરાષ્ટ્ર સિઝન બોલ ટુર્નામેન્ટમાં મોરબીની એક્સલ સ્પોર્ટ એકેડેમીએ 8 ટીમો વચ્ચે રમાયેલી મેચમાં ઉત્કૃષ્ટ પ્રદશન કરી ટ્રોફી પોતાને નામ કરી હતી. તાજેતરમાં ઓપન સૌરાષ્ટ્ર સીઝન બોલ અંડર 13 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રતનપર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ ટુર્નામેન્ટમાં મોરબીની એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમી ફાઈનલ વિજેતા બની હતી. ઉપરોક્ત ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો જેની ફાઇનલ મેચમાં જામનગરની NCA સાથે મોરબીની એક્સલ સ્પોર્ટ એકેડેમીના ખેલાડીઓની ટક્કર થઈ હતી. જામનગરે પહેલો દાવ લેતા 25 ઓવરમાં 8 વિકેટના ભોગે 156 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મોરબીની એક્સલ સ્પોર્ટ એકેડેમીની ટીમે 5 વિકેટના ભોગે 157 રન બનાવી ટ્રોફી મોરબી નામે કરી હતી. આ મેચનો હીરો રાધે ભીમાણી રહ્યો હતો. જેણે 94 નોટઆઉટ રન બનાવી ટીમને વિજય અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સાથોસાથ મોરબીના અર્જુન જેઠવાએ જામનગરની પાંચ વિકેટ ખેરવી 156 રનમાં જ તંબૂ ભેગી કરી દીધી હતી. ટુર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેનનું બિરુદ રાધે ભીમાણી અને બેસ્ટ બોલરનું બિરુદ અરવિંદ જેઠવાને મળ્યું હતું.