અમૃતપાર્ક, લાયન્સનગર, જલારામપાર્ક સહિતની સોસાયટીઓને પાણી ન મળતા પાલિકામાં હલ્લાબોલ: આ વિસ્તાર અમારામાં ન આવે, ચીફ ઓફિસરની સાફ વાત મોરબી : મોરબીના છેવાડે આવેલી અમૃતપાર્ક, લાયન્સનગર, જલારામપાર્ક સહિતની ડઝનેક જેટલી સોસાયટીઓમાં છેલ્લા બે વર્ષથી પીવાનું તો ઠીક વપરાશ માટેનું પાણી પણ ન મળતા આજે સોસાયટીના રહેવાસીઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કરી સત્વરે પાણી પ્રશ્ન ઉકેલવા માંગ કરી હતી તો સામે પક્ષે નગરપાલિકાના ચીફઓફિસરે આ વિસ્તારની સોસાયટીઓ નગરપાલિકાની હદમાં આવતી ન હોય પાણીની સુવિધા નગરપાલિકા દ્વારા નહીં કરવામાં આવે તેમ સ્પષ્ટ કર્યું હતું. જેને પગલે સોસાયટીના રહીશો પાણીપ્રશ્ન ઉકેલવાની માંગ સાથે કલેકટર કચેરીએ દોડી ગયા હતા. મોરબી શહેરના છેવાડાના ભાગે નવલખીરોડ ઉપર આવેલ અમૃતપાર્ક, લાયન્સનગર, જલારામપાર્ક, શાંતિવન સોસાયટી, રણછોડનગર, શ્રધ્ધાપાર્ક, નિધિપાર્ક, સુમરા સોસાયટી, મફતિયાપરા, સર્વોદય સોસાયટી અને લક્ષ્મીનારાયણ સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પાણી મળતું ન હોવાથી આ વિસ્તારના રહેવાસીઓ આજે મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરીએ ઉમટી પડ્યા હતા અને પાણી આપો,,,પાણી આપો...ના નારા લગાવી પાણીપ્રશ્ન ઉકેલવા માંગ ઉઠાવી હતી. બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ સોસાયટીના રહેવાસીઓનો પાણીપ્રશ્ન સાંભળ્યો હતો પરંતુ હાલમાં ઉપરોક્ત તમામ વિસ્તાર પાલિકાની હદમાં આવતા ન હોવાથી પાણીની સુવિધા પાલિકા તરફથી મળી શકે તેમ ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ વિસ્તારો નગરપાલિકાની હદમથી નીકળી ગયા હોવાથી પાલિકા ઈચ્છે તો પણ પાણી આપી શકે તેમ નથી. દરમિયાન મોરબી પાલિકા અને અમરેલી ગ્રામ પંચાયતની હદની માથાકૂટને લઈ અમૃતપાર્ક, લાયન્સનગર, જલારામપાર્ક, શાંતિવન સોસાયટી, રણછોડનગર, શ્રધ્ધાપાર્ક, નિધિપાર્ક, સુમરા સોસાયટી, મફતિયાપરા, સર્વોદય સોસાયટી અને લક્ષ્મીનારાયણ સોસાયટી સહિતના વિસ્તારોની સ્થિતિ ખુબ જ દયનિય બનતા પાલિકામાં રજૂઆત બાદ નનૈયો ભણી દેવાતા સોસાયટીના રહેવાસીઓ પાણીનો પ્રશ્ન ઉકેલવાની માંગ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે દોડી ગયો હતો. આમ, મોરબી પાલિકાઅને અમરેલી ગ્રામ પંચાયત વચ્ચે પીસાઈ રહેલા સોસાયટીના રહેવાસીઓને હાલ પીવાનું તો ઠીક ઘર વપરાશ માટે પણ પાણી આપતી ન હોય ઉનાળાના પ્રારંભ પૂર્વે જ આ વિસ્તારના લોકો માટે જાયે તો જાયે કહા જેવી સ્થિતિ સર્જાઈ છે.