અવાર- નવાર ગંભીર અકસ્માતો સર્જવા છતાં પાલિકાતંત્ર દ્વારા ભૂગર્ભના ઢાંકણ નથી ઢંકાતા મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર રોડના ઠેકાણા નથી અને ઠેર-ઠેર મોતના કુવા જેવી ખુલ્લી ગટર અકસ્માતો નોતરી રહી છે ત્યારે આજે આવા જ એક બનાવમાં ઇકો કાર ખુલ્લી ભૂગર્ભ ગટરમાં ખાબકી હતી. મોરબીનો વાવડીરોડ અળખામણો હોય તે રીતે પાલિકા દ્વારા સુવિધા આપવામા પાછી પાની કરવામાં આવી રહી છે લાંબા સમયથી અહીં રોડ ઉબળ ખાબડ બન્યો હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે એવામાં કપિલા હનુમાનચોક નજીક ખુલ્લી ભૂગર્ભ ગટર રોજે રોજ ગંભીર અકસ્માતોને આમંત્રણ આપી રહી છે. આજે પણ સાંજના સમયે એક ઇકો કાર કપિલા હનુમાન ચોક નજીક ખુલ્લી ભૂગર્ભ ગટરમાં ફસાય ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી મહા મહેનતે કારને ખુલ્લી ગટરમાંથી કાઢવામાં આવી હતી. આ સંજોગોમાં પાલિકાના સત્તાધીશો સત્વરે આવા મોતના કુવા સમાન ખુલ્લી ભૂગર્ભ ગટરના ઢાંકણ ચડાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.