વોર્ડ નંબર છમાં કોંગ્રેસને ભૂલ ભારે પડી : ચૂંટણી લડતા ઉમેદવારનું નામ ટેકેદારમાં તો બીજી બેઠકમાં મેન્ડેડ મેળવનાર ઉમેદવારની બદલે પિતાએ ઉમેદવારી કરી નાખી મોરબી : મોરબી પાલિકામાં છેલ્લી ઘડીએ ઘાંઘી બની ઉમેદવાર જાહેર કરનાર કોંગ્રેસે ઉમેદવારીપત્ર ભરવામાં પણ ભગો કરતા પાલિકાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસને બે બેઠકો ગુમવવાનો વારો આવ્યો છે. મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર- 6માં કોંગ્રેસે કુલ છ ઉમેદવારોના નામ જાહેર કરી કેતન ધનજીભાઈ સાણંદિયા, રેહાના ઈકબાલ પીલુડિયા, રમેશ ગોકલભાઈ સારલા,ગોવિંદભાઈ રાજેશભાઇ પરમાર,દેવજીભાઈ માધવજીભાઈ પરમાર અને પ્રભાબેન નાગજીભાઈ જાદવના નામે ઉમેદવારીપત્ર રજૂ કર્યા હતા. પરંતુ આજે ચકાસણી દરમિયાન કેતન ધનજીભાઈ સાણંદિયા, રેહાના ઈકબાલ પીલુડિયા, રમેશ ગોકલભાઈ સારલા,ગોવિંદભાઈ રાજેશભાઇ પરમારના નામ ટેક્નિકલ કારણોસર રદ થતા હવે વોર્ડ નંબર-6માં કોંગ્રેસના માત્ર બે જ ઉમેદવાર મેદાનમાં બચતા ભાજપને વગર ચૂંટણીએ બે સીટ મળી ગઈ છે.