અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ડ્રાઈવરને ઝડપી લેવા પોલીસની કાર્યવાહી મોરબી: મોરબીના લાતી પ્લોટમાં ટ્રક ચાલકે એક બાઇકસવારને હડફેટે લેતા તેના હાથ ઉપર ટ્રકનું તોતિંગ વ્હિલ ફરી વળ્યું હતું.જો, કે અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો.આ અકસ્માત બાદ બાઈકચાલકને હાથમાં ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. એ. ડીવી. પો. મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ટ્રક ડ્રાઈવરને ઝડપી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી લાતી પ્લોટ શેરી નંબર 5ના ચાર રસ્તા પર 32 વર્ષીય કૃષ્ણકુમાર ઉર્ફે સોનુભાઈ સીતારામભાઈ શર્મા (રહે. વાવડી રોડ, મારુતિ નગર) પોતાના બાઇક નંબર GJ 03 - HN 9969 પર જઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર GJ 15 AT 5347ના ચાલકે ઓવરસ્પીડમાં ટ્રક ચલાવી યુવકને હડફેટે લીધો હતો. આથી બાઈકચાલક યુવાન નીચે પટકાયો હતો. આ દરમ્યાન યુવકના ડાબા હાથ પરથી ટ્રકનું તોતિંગ વ્હિલ ફરી વળતા ગંભીર ઇજા સાથે યુવકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો. અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલના બિછાને રહેલા ઘાયલ યુવકે મોરબી સીટી. એ. ડીવી. પો. સ્ટે.માં ઉક્ત બનાવની ફરિયાદ નોંધાવતા પોલિસ હેડ કોન્સ્ટેબલ એચ. યુ. ગોહિલે નાસી છૂટેલા ટ્રક ડ્રાઈવરને ટ્રકના નંબરને આધારે ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે.