સર્કલની વચ્ચે આવેલી હાઈમાસ્ટ લાઈટો 30 દિવસથી બંધ મોરબી: એક તરફ ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે ઉમિયા સર્કલે આવેલી હાઈમાસ્ટ લાઈટ છેલ્લા ત્રીસેક દિવસથી બંધ હાલતમાં છે એ બાબતે તંત્ર ખુદ અંધારામાં હોય એવું જણાઈ રહ્યું છે. ઉમિયા સર્કલે ચારેતરફ ઉજાશ ફેલાય એ માટે ઊંચા પોલ ઉપર હાઈમાસ્ટ લાઈટો મુકવામાં આવી છે. આવી લાઈટોથી એક તરફ વીજળીની બચત તો થાય જ છે, સાથોસાથ ચોકની ચારેતરફ ફેલાયેલા માર્ગો પર દૂર સુધી ઉજાશ પણ રેલાય છે. જો કે, આવી લાઈટો બંધ પડે ત્યારે રીપેરીંગ બાબતે તંત્રની ઉદાસીન નીતિ-રીતિથી લાઈટો મુકવાનો ઉદ્દેશ સરતો નથી. શહેરમાં છાસવારે અકસ્માત અને અન્ય ગુન્હાઓ બનવાનું પ્રમાણ અગાઉની સરખામણીએ વધ્યું હોય ત્યારે અને હાલ ચૂંટણીનો માહોલ છે ત્યારે તંત્રની કોઈપણ પ્રકારની ઉદાસીનતા પાલવે એમ નથી. સ્થાનિકોએ આ બાબતે લાગતા વળગતા તંત્રને લાઈટ બંધ હોવાની જાણકારી આપી છે. જો કે, આવી સમસ્યા તો ઉડીને આંખે વળગે તેવી હોવા છતાં તંત્રની અંધારામાં રહેવાની કે લોકોને અંધારામાં રાખવાની આદતની સ્થાનિકો ટીકા કરી રહ્યા છે.