સરોજીની નાયડુ દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા : બ્રિટિશ સરકારે સરોજીનીને 'કૈસર-એ-હિંદ'ના ખિતાબથી નવાજ્યા હતા સરોજીની નાયડુ કવિયત્રી, સ્વાતંત્ર્ય સેનાની અને પ્રથમ મહિલા રાજ્યપાલ હતા. સ્વરમીઠાશને કારણે લોકો તેમને 'ભારતના નાટીંગલ' (ભારતીય કોકિલા) કહેતા હતા. ભારત સરકારે 13 ફેબ્રુઆરી, 1964ના રોજ તેમની સ્મૃતિમાં 15 પૈસાની ટપાલ ટિકિટ બહાર પડી હતી. સરોજીની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી, 1879ના રોજ હૈદરાબાદના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ અઘોરીનાથ ચટ્ટોપાધ્યાય હતું. તેઓ વિદ્વાન, વૈજ્ઞાનિક, તત્ત્વજ્ઞ, સમાજસુધારક અને કેળવણીકાર હતા. સરોજિનીના માતાનું નામ વરદાસુંદરીદેવી હતું. તેઓ કવિયત્રિ હતા. તેમનો ઉછેર નાત-જાતના ભેદભાવ વિના કરવામાં આવ્યો હતો. એટલે કે તેમને હિન્દુ કે બ્રાહ્મણના બદલે એક ભારતીય તરીકે ઉછેરવામાં આવ્યા હતા. સરોજીની નાયડુ 12 વર્ષની ઉમરે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને મદ્રાસમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા. ત્યારબાદ 1895માં તેઓ ઈંગ્લેન્ડ ગયા. જ્યાં લંડનની કિંગ્ઝ કોલેજ અને કેમ્બ્રિજની ગિરટન કોલેજમાં વિદ્યાભ્યાસ કર્યો. આ સમય દરમિયાન તેઓ વિખ્યાત સાહિત્યકાર એડમંડ ગોસ અને આર્થર સાયમન્સના સંપર્કમાં આવ્યા હતા. સરોજીની 14 વર્ષની વયે ગોવિંદા રાજુલુ નાયડુ સાથે પરિચયમાં આવ્યા હતા. નાયડુ આંધ્રપ્રદેશના કહેવાતી શુદ્ર જાતિના હતા. 1898માં સરોજિનીએ નાયડુ સાથે 'સિવિલ મૅરેજ' કર્યા હતા. એમને ચાર સંતાનો હતા, જયસૂર્ય, પદ્મજા, રણધીર અને લીલામણિ. એમાંથી પદ્મજા પશ્ચિમ બંગાળના ગવર્નર બન્યાં હતાં. સરોજીની નાયડુનું રાજનૈતિક જીવન સરોજીની નાયડુ ઇ.સ 1917માં રાજકારણમાં સક્રિય બન્યા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન 1906માં તેમણે આપેલા વક્તવ્યથી ગોપાલ કૃષ્ણ ગોખલે પ્રભાવિત થયા અને તેમને માતૃભૂમિની સેવા કરવા માટે આગ્રહ કર્યો. તેમણે સ્ત્રીઓને આગળ લાવવા કેટકેટલીય ચળવળો ચલાવી હતી. ઇ.સ. 1908માં મદ્રાસમાં મળેલા વિધવા પુન:લગ્ન માટેના અધિવેશનમાં તેમણે સ્ત્રીઓને જાગૃત કરવા અથાગ પરિશ્રમ કર્યો હતો. તેમણે પ્લેગના રોગચાળા દરમિયાન આપેલી સેવાઓને ધ્યનમાં રાખીને તેમણે હૈદરાબાદમાં 'કૈસર-એ-હિંદ'નો સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. જે તેમણે સત્તાના જુલ્મ વિરુદ્ધમાં પરત કર્યો હતો. તેઓ હમેશા હિન્દુ મુસ્લિમની એકતા માટે કાર્ય કરતાં હતા. ઇ.સ. 1915થી 1918 સુધી તેમણે ભારતના વિવિધ ગામડાં અને શહેરોમાં પૂર્વકકલ્યાણ, શ્રમનું ગૌરવ, મહિલાઓની મુશ્કેલીઓની મુક્તિ તથા રાષ્ટ્રવાદ પર પ્રવચનો આપતા હતા. તેમણે રોલેટ એક્ટનો ખૂબ વિરુદ્ધ કર્યો હતો. તેમણે 1919માં બનેલા જલિયાવાલા બાગના હત્યાકાંડ તથા અમૃતસરમા લશ્કરી કાયદા વિરુદ્ધ તેમણે ધારદાર વકતવ્યો આપ્યા હતા. ઇ.સ. 1925માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદે ચૂંટાયા. હૈદરાબાદમાં 1908માં મૂસી નદીમાં પૂર આવ્યું હતું ત્યારે સરોજિનીએ રાહતકાર્યોનું આયોજન કર્યું હતું. તે બદલ બ્રિટિશ સરકારે એમને 'કૈસર-એ-હિંદ' ખિતાબ અને સુવર્ણચંદ્રકથી સન્માનિત કર્યા હતા. બ્રિટિશ સરકારના ભારતીયો પ્રત્યેના અન્યાયી અને કઠોર વર્તનથી યાતના અનુભવતાં તેમણે 1920માં આ ખિતાબ અને સુવર્ણચંદ્રક સરકારને પરત કર્યા હતા. સરોજીની 1914માં ગાંધીજીને મળ્યા અને તેમના જીવનમાં પરીવર્તન આવ્યું અને તેઓ સ્ત્રી સેવા, સમાજ સેવા અને સત્યાગ્રહની લડતમાં ગળાડૂબ ડૂબી ગયા. ઘરાસણામાં લાઠીમાર વખતે મોખરે હતા, અને 1942ના હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઈ 21 મહિનાની જેલની સજા ભોગવી હતી. આમ, ગાંધીજીની એક અનન્ય શિષ્યા તરીકે 1920થી 1949 સુધી તેમણે કરેલી દેશસેવા અવિસ્મરણીય છે. 2 માર્ચ, 1949માં રાજ્યપાલના હોદ્દા પર હતા, તે દરમિયાન તેમનું અવસાન થયું હતું.