માથાભારે શખ્સે ઘેટાં સર્વઘન કેન્દ્રની જમીન પચાવી પાડી હતી મોરબી : મોરબીમાં બેક દિવસ પહેલા લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ જમીન પચાવી પાડવાનો પ્રથમ કેસ નોંધાયો હતો.જેમાં માથાભારે શખ્સે ઘેટાં સર્વઘન કેન્દ્રની જમીન પર દબાણ કરી પચાવી પાડી હતી અને સરકારી જમીન ઉપર ગેરકાયદે દુકાનો ખડકીને ભાડે આપી દીધી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. મોરબીના ઘેટાં સર્વઘન કેન્દ્રમાં નોકરી કરતા નરેશભાઈ જીવાભાઈ કાસુન્દ્રાએ થોડા દિવસો પહેલા નવા લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા દાઉદ મહમદભાઈ પલેજા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી દાઉદ મહમદભાઈ પલેજાએ ગત તા.28 જુલાઈ 2020 ના રોજથી આજસુધીમાં લખધીરપુર રોડ ઉપર ત્રાજપર ગામે આવેલ પશુપાલન વિભાગ હસ્તકના ઘેટાં સર્વઘન કેન્દ્રની સરકારી જમીનમાં ગેરકાયદે કબજો કરીને દબાણ કર્યું હતું.આરોપીએ આ સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરીને દુકાનો બનાવીને આ સરકારી જમીન પચાવી પાડી હતી.એટલું ન નહિ પોતાન આર્થિક ફાયદા માટે આરોપીએ સરકારી જમીનમાં ગેરકાયદે બનાવેલી દુકાનો ભાડે આપી દીધી હતી.આથી આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુજરાત સરકારના જમીન પચાવી પાડવાના પ્રતિબંધ હેઠળ આરોપી સામે ગુનો નોંધીને આજે આ આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.