મોરબીમાં ભાજપની ટીકિટ ફાળવણીથી બ્રહ્મસમાજમાં ભાગલા : એક જૂથે સવારે વિજય હવન કરી ભાજપને સમર્થન આપ્યું મોરબી ; મોરબીમાં બ્રાહ્મણોની વિશાળ વસ્તી હોવા છતાં ભાજપે અન્યાય કરી માત્ર ત્રણ મહિલાઓને જ ટિકિટ ફાળવતા બ્રહ્મસમાજમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે આજે મોરબી બ્રહ્મસમાજ પ્રમુખે અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપને ખુલ્લેઆમ નડવા ચેલેન્જ કરી છે,તો બીજી તરફ અન્ય જૂથે મહિલા બ્રાહ્મણ ઉમેદવારોની જીત માટે વિજય યજ્ઞ કરતા ભાજપની ટિકિટ ફાળવણી બાદ ભૂદેવોમાં ભાગલા પડવાની શરૂઆત થઈ ગઈ હોવાની છાપ ઉપસી છે. મોરબી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા ગઈકાલે ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ ભૂદેવોમાં નારાજગી જોવા મળી હતી જો કે આ નારાજગી વચ્ચે પણ આજે સવારે પરશુરામધામ ખાતે સૌરાષ્ટ્ર -કચ્છ બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખે ત્રણેય ઉમેદવારોની જીત માટે વિજયયજ્ઞ યોજ્યો હતો,તો બીજી તરફ મોરબી બ્રહ્મસમાજ પ્રમુખે આજે વિધિવત રીતે અપક્ષ ઉમેદવારી નોંધાવી દરેક વોર્ડમાંથી બ્રહ્મ સમાજના યુવાનો લડશે અને ફક્ત બ્રાહ્મણ ઉમેદવારોને જ બ્રહ્નસમાજ મત આપે તેવી અપીલ પણ કરી હતી. આજે ગાયત્રી મંદિર મોરબી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં પણ મોરબી બ્રહ્મસમાજ પ્રમુખ પ્રશાંતભાઈ મહેતાએ ખુલ્લેઆમ જણાવ્યું હતું કે, મોરબીમાં બ્રાહ્મણ મતદારોની સંખ્યા મોટાપ્રમાણમાં હોવા છતાં ભાજપે એકપણ પુરુષ ઉમેદવારને ટિકિટ આપી નથી તે બતાવે છે કે ભાજપ પક્ષ બ્રહ્મસમાજને ગણકારતો નથી. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે મોરબીના ભાજપના બ્રહ્મ આગેવાનોનું ઉપર કી ઉપજતું નથી જો અન્ય સમાજ માટે ભાજપની નેતાગીરી પાંચ-પાંચ ઉમેદવારો ફેરવી શક્તિ હોય તો બ્રહ્મસમાજ માટે કેમ ફેર બદલ નથી કરાતી તેવો પણ સવાલ ઉઠાવ્યો હતો. આજે ગાયત્રી મંદિર મોરબી ખાતે યોજાયેલ અગત્યની બેઠકમાં પ્રશાંત મહેતા, દિનેશ પંડ્યા,હિતેશ મહેતા, ધર્મેન્દ્ર જોશી, બી.કે. લેહરુ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આવતીકાલે વધુ ત્રણ અપક્ષ ઉમેદવારોના ફોર્મ બ્રહ્મસમાજ દ્વારા ભરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.