પોલીસે દારૂ-બીયર તથા કાર મળીને કુલ રૂ.2.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો વાંકાનેર : વાંકાનેર પોલીસે બાતમીના આધારે શહેરના શકિતપરા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે ત્યાં દોરડો પાડી રૂ.1.14 લાખની કિંમતના ઈંગ્લીશ દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.તેમજ પોલીસે દારૂ-બીયર તથા કાર મળીને કુલ રૂ.2.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઈંગ્લીશ દારૂની રેડની વાંકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલિસને ચોક્કસ બાતમી મળી હતી કે, વાંકાનેરના હસનપર ગામે આવેલ શક્તિપરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા રવિભાઈ પ્રદીપભાઈ ભટ્ટના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છે.આ પ્રકારની બાતમી મળતા પોલીસ સ્ટાફ તેના મકાનમાં ત્રાટક્યો હતો અને પોલીસની તપાસમાં રહેણાંક મકાનમાંથી 261 વિદેશી દારૂની બોટલ તથા 6 બીયરના ટીન મળી આવ્યા હતા.આથી પોલીસે રૂ 1.14 લાખની કિંમતનો ઈંગ્લીશ દારૂ-બીયર તેમજ કાર મળીને કુલ રૂ.2,45,865 નો મુદામલ સાથે આરોપીને ઝડપી લીધો હતો.તેમજ આ ઈંગ્લીશ દારૂ ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે આરોપીની પૂછપરછ હાથ ધરી છે.