મોડી રાત સુધી રેસ્ક્યુની કામગીરી ચાલશે મોરબી: મોરબી નજીક આવેલ સિરામિક ફેકટરીમાં માટી ભરેલ કોઠીઓ નીચે પડવાની દુર્ઘટનામાં હાલના તબક્કે 3 લોકો દટાયા હોવાનું સામે આવ્યું છે. અહીં મોરબીની ટીમ રેસ્ક્યુ માટે કામે લાગી છે. આ ઉપરાંત રાજકોટની ટીમને પણ બોલાવવામાં આવી છે. મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલા ગ્રીસ સીરામીક નામના કારખાનામાં માટી ભરેલા સાઈલો (કોઠીઓ) નમી જતા 1 મહિલા સહિત 3 લોકો નીચે દબાયા હોવાના બનાવને લઈને તાલુકા પોલીસ, મામલતદાર, ફાયરબ્રિગેડ સહિતના કાફલા દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. જો કે ટાંચા સાધનોને કારણે તંત્ર દ્વારા રાજકોટની રેસ્ક્યુ ટીમની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ રાજકોટની ટીમ મોરબી આવવા રવાના થઈ ગઈ છે. તેઓ દ્વારા સ્થાનિક ટીમની મદદથી રેસ્ક્યુ હાથ ધરી કાટમાળને ખસેડવામાં આવશે અને અંદર દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવશે. આ રેસ્ક્યુની કામગીરી મોડી રાત સુધી ચાલવાની છે.