મોરબીની ૧૦૦થી વધુ બાંધકામ સાઇટ બંધ રહેશે; અસહ્ય વધારાનો વિરોધ કરી બિલ્ડરો કલેકટરને આપશે આવેદન મોરબી: સિમેન્ટ તેમજ સ્ટીલના ભાવમાં કંપનીઓએ કાર્ટેલ રચી અસહ્ય ભાવ વધારો ઝીંકી દેતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આવતીકાલે શુક્રવારે ગુજરાતના તમામ બિલ્ડરોએ એકદિવસીય હડતાળ પાડી આ ભાવ વધારાનો વિરોધ કરવા નક્કી કર્યું છે જેમાં મોરબીના બિલ્ડરો પણ જોડાઈ કલેકટરને આવેદન આપી રજુઆત કરશે. મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશને આવતીકાલે શુક્રવારે તમામ બાંધકામ સાઇટ પર કામ બંધનું એલાન કર્યું છે. સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદન કંપનીઓએ સાંઠગાંઠ બનાવી એક સાથે ભાવવધારો ઝીંકતા તેના વિરોધમાં ગુજરાતભરની બિલ્ડર લોબી એક થઈ ગઈ છે વધુમાં આ હડતાળને પગલે મોરબીની ૧૦૦ જેટલી બાંધકામ સાઇટો પર કામગીરી સદંતરપણે બંધ રાખવામાં આવશે તેવું બિલ્ડર એસોશિએશન પ્રમુખ ભરતભાઇ બોપલીયાએ જણાવ્યું છે. નોંધનિય છે કે પાછલા દિવસોમાં સિમેન્ટના ભાવમાં 25 ટકા અને સ્ટીલના ભાવમાં 50 ટકા જેટલો તોતિંગ ભાવ વધારો કરાતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ભાવવધારાને કારણે લોકોના ઘરના ઘરનું સ્વપ્ન ચકનાચૂર થઈ જાય એટલું મોંઘું પડવાનું છે. તો બીજી તરફ કોરોનાકાળને લઈને રિયલ એસ્ટેટમાં છવાયેલી મંદી વધુ ઘેરી બનવાના એંધાણ વાર્તાતા ગુજરાતના તમામ બિલ્ડરો આવતીકાલે શુક્રવારે એક દિવસીય હડતાળ કરી ભાવ વધારા સામે પોતાનો વિરોધ નોંધાવવા નક્કી કર્યું છે.