મોરબી, રાજકોટ અને હળવદનું ફાયર બ્રિગેડ 24 કલાક સતત દોડતું રહ્યું: હજુ ફાયર ફાઇટર સ્ટેન્ડ બાય વાંકાનેર: વાંકાનેરના માટેલ નજીક પેપરમિલ ફેક્ટરીમાં લાગેલી આગ પર 24 કલાકની જહેમત બાદ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સદભાગ્યે કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે હજુ પણ રાજકોટ અને મોરબીના ફાયર ફાઇટર સ્ટેન્ડબાય રખાયા છે. વાંકાનેરના માટેલ નજીક એક્સેલ પેપરમિલમાં મંગળવારે સાંજે લાગેલી આગ પર કાબુ મેળવવા મોરબી, હળવદ અને રાજકોટની ટીમોને 24 કલાક બાદ અંતે સફળતા મળી છે. વાંકાનેરના માટેલ નજીક આવેલા એક્સેલ પેપરમિલમાં આગ ગઈકાલે મંગળવારે મોડી સાંજે અગમ્ય કારણોસર આગ લાગી હતી. વેસ્ટ પેપરમાં લાગેલી આગ ધીમે ધીમે પુરા શેડમાં પ્રસરી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ મોરબી ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી હળવદ અને રાજકોટ ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી. રાજકોટથી ફાયરની ચાર ટીમ બોલાવવામાં આવી હતી. મંગળવારે સાંજના સુમારે લાગેલી આગ પર આજે બુધવારે સાંજે 24 કલાક બાદ કાબુ મેળવાયો હતો. જો કે ફેકટરીના પાછળના ભાગમાં પડેલી પેપરની ગાંસડીઓ હજુ ધૂંધવાયેલી હોવાથી પાણીનો મારો સતત ચાલુ રાખવામાં આવ્યો છે. 24 કલાક દરમ્યાન કુલ કેટલા ટેન્કર પાણી વપરાયું તેનો ચોક્કસ આંકડો હજુ બહાર આવ્યો નથી. હળવદથી બોલાવાયેલું એક ટેન્કર હળવદ પરત ફરી ગયું છે. જ્યારે રાજકોટથી બોલવાયેલા ચાર ટેન્કરો પૈકી એક રાજકોટ પરત મોકલી દેવાયું છે. બે ટેન્કરો હજુ કામે લાગેલા છે. રાજકોટના એક ટેન્કરને અત્યાર સુધી સ્ટેન્ડબાય રખાયું હતું એ પણ મોડી રાત્રે રાજકોટ પરત ફરી જશે એવું ફાયર બ્રિગેડમાંથી જાણવા મળે છે. આગને કારણે ફેક્ટરીમાં કેટલું નુકશાન થયું તે હાલ સ્પષ્ટ થયું નથી. સદનસીબે કોઈ જાનહાની ન થવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.