ગ્લેશિયરને ગુજરાતીમાં હિમખંડ અને તેના બરફના વહેતા પાણીને હિમનદી કહેવાય છે ગઈકાલે તા. 7ના રોજ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠના રેણી ગામમાં ગ્લેશિયર ફાટતાં પૂર આવ્યું હતું. ઘૌલીગંગા નદીનું જળસ્તર વધી જતાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટનામાં અનેક લોકો માર્યા ગયા હોવાની દહેશત છે અને સોમવાર બપોર સુધી 18 મૃતદેહો મળી આવ્યા છે. ગ્લેશિયર તૂટી પડવાની ઘટનાને નિષ્ણાતો ગ્લોબલ વોર્મિંગ સાથે સાંકળી ચિંતાજનક ગણાવે છે. ગ્લેશિયર શું છે? વાસ્તવમાં ગ્લેશિયર બરફની વિશાળ માત્રા હોય છે. વર્ષો સુધી એક જ સ્થળે બરફ જમા રહેતા ગ્લેશિયરનું નિર્માણ થાય છે. જે જમીન પર ધીમે-ધીમે વહેતું હોય છે. ખાસ કરીને ગ્લેશિયર ધ્રુવીય પ્રદેશો અથવા ઊંચા પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. ગ્લેશિયર બે પ્રકારના અલ્પાઈન અને આઈસ શીટ્સ રૂપે હોય છે. પહાડોના ગ્લેશિયર અલ્પાઈન કેટેગરીમાં આવે છે. પહાડી ગ્લેશિયર સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે. ગ્લેશિયર તૂટતાં નદીમાં વધુ પાણી ઉમેરાય છે, જે પૂર લાવે છે. આના કારણે આસપાસના વિસ્તારોમાં વિનાશની સ્થિતિ સર્જાય છે. પૂરના લીધે મોટા પાયે જાનમાલનું નુકસાન થતું હોય છે. ગ્લેશિયર ખૂબ મોટો બરફનો ભાગ હોય છે. જેને હિમખંડ પણ કહેવામાં આવે છે. આ એક નદી જેવું હોય છે અને ખૂબ ધીમી ગતિએ વહેતો રહે છે. જેને ગુજરાતીમાં હિમનદી કહે છે. ગ્લેશિયર તૂટવાના કારણો પહાડોમાં ગ્લેશિયર તૂટવાના અનેક કારણો છે. જેમાં ગુરૂત્વાકર્ષણ અને કિનારાના વિસ્તારોમાં હવામાન સંબંધિત ફેરફાર મુખ્ય છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્લેશિયરનો બરફ ઓગળે છે અને તેમાં પાણી થતાં તે નીચે તરફ સરકવા લાગે છે. ગ્લેશિયરમાંથી બરફનો ટૂકડો છૂટો પડે તેને કાલ્વિંગ કહેવામાં આવે છે. હિમવર્ષા થયા બાદથી બરફ દબાવા લાગે છે અને તેનું ઘનત્વ વધી જાય છે. તે હળવા ક્રિસ્ટલથી મજબૂત થઇ જાય છે. નવો બરફ તેને વધુ નીચે દબાવવા લાગે છે. અને તે પડે પડે કઠોર થઇ જાય છે. જે ફિર્ન કહેવાય છે. આ પ્રક્રિયામાં ઠોસ બરફની વિશાળ માત્રા જમા થાય છે. તેનાં દબાણથી તાપમાન નીચું હોય તો પણ બરફ પીગળવા લાગે છે. અને પોતાનાં જ વજનના લીધે વહેવા લાગે છે. હિમનદીનાં રૂપમાં ઘાટીઓ તરફ વહેવાં લાગે છે. ગ્લેશિયરની અંદર ડ્રેનેજ બ્લોક ઉભા થયા બાદ તે ગમે ત્યારે તૂટી શકે છે. ભૂગર્ભમાં કોઇ હલચલને લીધે આ ગ્લેશિયર તૂટે છે. જેમ કે, ભૂગર્ભમાં ગુરુત્વાકર્ષણ, પ્લેટો ખસવી જેવી ગતિવિધિને લીધે ગ્લેશિયર તૂટે છે. ગ્લેશિયર મોટા-મોટા બરફના ટૂકડા સ્વરૂપે તૂટે છે. આ પ્રક્રિયા ગ્લેશિયર ફાટ્યું તરીકે ઓળખાય છે.