મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસે હત્યારાને દબોચી લીધો મોરબી : મોરબીમાં બહેન સાથે દસ વર્ષ જુના પ્રેમ સબંધનો ખાર રાખીને તેના ભાઈએ યુવાનને છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવ મામલે મૃતકના પિતાએ આરોપી સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આજે આરોપીની વિધિવત ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા રફીકભાઈ ઉર્ફે ગુલાબ અબ્બાસભાઈ રફાઈ નામના યુવાનની રવિવારે રાત્રે રામઘાટ પાસે છરીના ઘા ઝીકીને હત્યા કરાયેલી હલતમાં લાશ મળી આવી હતી. આ બનાવમાં પોલીસની તપાસમાં આ યુવાનની દશ વર્ષ જુના પ્રેમ પ્રકરણમાં હત્યા થયાનું બહાર આવ્યું હતું. આથી, મૃતકના પિતા અબ્બાસભાઈ મહમદશા રફાઈએ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા રીયાઝ ઉર્ફે રિયાક્ત હાજી ખુરેશી સામે પોતાના પુત્રની હત્યા કર્યાની મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક યુવાનને 10 વર્ષ અગાઉ આરોપીની બહેન સાથે પ્રેમસબંધ હતો. તે મામલે ચાલતી અદાવતનું પણ જે તે વખતે સમાધાન થઈ ગયું હતું. પણ આરોપી રીયાઝ ઉર્ફે રિયાક્ત હાજી ખુરેશીના મગજમાં ખાર રહી ગયો હોવાથી આ મનદુઃખનો ખાર રાખીને તેણે રફીકભાઈની હત્યા કરી નાખી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધીને આરોપી રીયાઝ ઉર્ફે રિયાક્ત હાજી ખુરેશીને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.