તાલુકા પંચાયતની ૨૦ સીટ માટે ૪૮ અને જિલ્લા પંચાયતની પાંચ સીટ માટે ૨૪ ફોર્મ ઉપડ્યા હળવદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એક તરફ આજે મહાનગર પાલિકાઓમાં ભરાઈ ચૂકેલા ફોર્મની ચકાસણી ચાલી રહી છે. ત્યારે નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે ફોર્મ વિતરણ શરૂ થયું છે. જ્યારે હળવદમાં પાલિકાની ચૂંટણી તો નથી પરંતુ જિલ્લા પંચાયતની ૫ સીટ અને તાલુકા પંચાયતની ૨૦ સીટ માટે આજે ફોર્મ વિતરણ શરૂ થયું છે. જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે આજે ફોર્મ ઉપાડવાનું ઉમેદવારોએ શરૂ કર્યું હતું. હળવદ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે તાલુકાના પંચાયતની ૨૦ બેઠકો માટે આજે પ્રથમ દિવસે ૪૮ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જ્યારે જીલ્લા પંચાયતની ૫ સીટો માટે ૨૪ ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જે પૈકી તાલુકા પંચાયતમાંથી ૨૬ અને મામલતદાર કચેરીમાંથી ૨૨ ફોર્મ ઉપડ્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતની ૫ બેઠકો માટે આજે કુલ ૨૪ ફોર્મ ઉપડ્યા હતા. આમ, હળવદ તાલુકામાં ફોર્મ વિતરણ પહેલાં જ દિવસે મુહૂર્તમાં ૭૨ ફોર્મ ફટાફટ ઉપડી જતા આવનાર દિવસોમાં રાજકીય જંગ જામવાના એંધાણ મળી રહ્યા છે.