રોડના કામ માટે ખોદેલો ખાડો મોતના કુવા સમાન : વાહનચાલકો ફરી-ફરીને જવા મજબૂર મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર રોડના કામ માટે ખોદેલો ખાડો જોખમી બન્યો છે. જેથી, આ ખાડામાં વાહનચાલકો ફસાઈ જાય છે. તેમજ વાહનચાલકોને ફરી-ફરીને જવું પડતું હોવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે. મોરબીના લીલાપર રોડ ઉપર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ રોડના કામ માટે ખાડો ખોદીને પાઇપલાઇન નાખવામાં આવી છે. આ ખાડામાં પાઇપલાઇન નાખી હોય અને યોગ્ય સમારકામ કર્યું ન હોવાથી ત્યાંથી કોઈપણ એક જ વાહન નીકળી શકે તેવી સ્થિતિ છે. આથી, અવારનવાર વાહનચાલકો ત્યાં ફસાઈ જાય છે. અહીં વાહનો ફસાઈ જવાની ઘટના રોજિંદી બની જતા લોકોને છેક રવાપર ગામ સુધી ધક્કો થાય છે. કારણ કે સિટીમાં આવવા માટે લીલાપર રસ્તો મુખ્ય હોય પણ ત્યાં રોડના કામને કારણે વાહનો નીકળી ન શકતા લોકોને છેક રવાપર સુધી ફરી-ફરીને જવું પડે છે. તેથી, લોકોને ભારે હાલાકી પડતી હોય સંબધિત તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરે તેવી વાહનચાલકોમાં માંગ ઉઠી છે.