રાજ્યકક્ષાના રમકડાં મેળામાં મેદાન માર્યા બાદ હવે રાષ્ટ્રીય કક્ષાએ ચમકશે મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની હાકલને ચેલેન્જ સ્વરૂપે સ્વીકારી મોરબીના ઉદ્યોગગૃહોએ ચાઈનાને ટક્કર આપવા ભારતમાં જ રમકડાં નિર્માણ થાય અને ભારતીય નાણું વિદેશમાં જતું રોકાય તે માટેના પ્રયત્નો આદર્યા છે. એ દિશામાં એક પહેલરૂપે શિક્ષણ મંત્રાલય દ્વારા રમકડાં મેળાનું આયોજન કરાતા મોરબીના શિક્ષકે બનાવેલ અનોખી ફરતી પેન્સિલની કૃતિ રાજ્યકક્ષા બાદ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે. મોરબીના શિક્ષક વિજયભાઈ દલાસાણીયા જેમણે પોતાની સર્જનાત્મકતા દ્વારા અનેક શિક્ષણોપયોગી અને બાળકોને આનંદ આપનારા સર્જનો કર્યા છે. તેમની આ સર્જનાત્મકતામાં એક મોરપીંછ એટલે એમની કૃતિ 'ફરતી પેન્સિલ' કશાય આધાર વગર પૃથ્વીની જેમ અવિરત ફરતી પેન્સિલ એ બાળકો માટે આનંદ દાયક રમકડું તો ખરું જ પરંતુ magnetism નો ઉપયોગ કરીને કેટ કેટલા રમકડાં બનાવી શકાય તેનો પણ સંદેશ આ કૃતિ થકી આપ્યો છે. રાજ્ય કક્ષાએ જી.સી.આર.ટી. ગાંધીનગર રમકડાં મેળામાં મોરબી તાલુકામાંથી ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં સભારાવાડી પ્રા.શાળાના શિક્ષક દલસાણિયા વિજય એમ. શિક્ષકની કૃતિ રાજ્ય કક્ષાએ પસંદ થતા હવે નેશનલ કક્ષાએ યોજનાર રમકડાં મેળામાં ગુજરાત રાજ્યનુ પ્રતિનિધિત્વ કરશે. પસંદ થયેલ શિક્ષકને નેશનલ કક્ષાના મેળામાં પસંદગી થવા બદલ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સોલંકી, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચર, મોરબી બી.આર.સી. કો.ઓર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજા,આંબાવાડી સી.આર.સી. કો.ઓર્ડિનેટર રામદેવસિંહ ઝાલા સહિતના તમામ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી.