રાત્રીના સમયે તો ઠીક હવે દિવસે પણ પીધેલા આરામ ફરમાવે છે : સિવિલ પોલીસ ચોકીની આબરૂ લૂંટાઈ મોરબી : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે માત્ર કાગળ ઉપર રહી હોય તેવી સ્થિતિ વચ્ચે મોરબીની સિવિલ હોસ્પિટલ દારુડીયાના અડ્ડા જેવી બની ગઈ છે. દેશી વિદેશી દારૂના વેચાણ અને પીવા માટે સિવિલમાં કોઈ રોકટોક ન હોય સિવિલ હોસ્પિટલ બિયર બારમાં ફરવાઈ ગઈ હોય તેવું સ્પષ્ટ બન્યું છે. આ સાથે જ અહીં આવેલી સિવિલ હોસ્પિટલ ચોકીની આબરૂ પણ લીલામ થઈ રહી છે. અંધેર વહીવટ માટે જાણીતી મોરબીની સિવિલ હોસ્પિટલ દર્દીની સારવારને બદલે દારૂડિયાઓ માટેનો અડ્ડો સાબિત થઇ રહી છે અહીં રાત્રીના સમયે દારૂડિયાઓની મહેફિલ જામે છે, તે નગ્ન સત્ય છે. ત્યારે આજે તો અહીં ધોળે દિવસે નશામાં ચકચૂર બનેલો શખ્સ નિરાંતની ઊંઘ માણતો રંગે હાથ ઝડપાયો હતો અને આ દારૂડિયાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોસ્પિટલ વિભાગના અંધેર વહીવટ અંગે ચોમેર ટીકા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે મોરબી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ હોસ્પિટલ પોલીસચોકી આવેલી છે છતાં પણ બુટલેગરો કે પ્યાસીઓને પોલીસનો જરા પણ ડર ન હોય તેમ રાત્રિના સમયે તો ઠીક હવે દિવસે પણ નશામાં ચકચૂર બનેલા શખ્સો અહીં અડિંગો જમાવી રહ્યા હોય, ખાસ કરીને મહિલા દર્દીઓને અહીં આવવામાં રીતસર ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે.