પૂર્વ પાલિકા પ્રમુખ, માજી જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના મૂળ કોંગ્રેસીઓએ ટીકીટ માંગી છે ત્યારે ભાઉ ગાઈડલાઈનની અમલવારી સામે મીટ મોરબી : મોરબી નગર પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ટીકીટ ફાળવણીને લઈ ભાજપમાં અત્યારથી જ ઘૂઘવાટ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસમાંથી કૂદકો મારી ભાજપમાં ભળેલા ટોચના આગેવાનો માટે ટીકીટ ફાળવણીમાં લટકતી તલવાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજ્યનીચૂંટણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે ઉમેદવારો નક્કી કરવા માટેની નવી નીતિ અમલમાં મૂકી છે. જે મુજબ 60 વર્ષથી ઉપરના, સતત ત્રણ ટર્મથી ચૂંટાયેલા અથવા તો સંગઠનમાં હોદ્દો ધરાવતા કાર્યકરોને ટિકિટ મળશે નહીં, એ નિર્ણયને પગલે સામાન્ય કાર્યકરો તો રાજી છે. પરંતુ આ ત્રણ શરતો મુજબ જેઓ ટિકિટ માટે દાવેદાર છે તેઓમાં અંદરખાને નારાજગી જોવા મળી રહી છે. આ ઉપરાંત, સંગઠનમાં જતા રહેલા નેતાઓને પણ ટિકિટની ઘેલછા ઘટી નથી. પોતે નહીં, તો પોતાના પરિવારને તો લાભ મળવો જ જોઇએ તેવી જીદ પૂરી કરવા સગવડિયો સગાવાદ અપનાવવામાં પણ પાછીપાની નહીં થાય તેવી ગતિવિધિઓ ચાલુ થઇ ગઇ છે ત્યારે પક્ષપલ્ટો કરીને ભાજપમાં આવેલા આગેવાનો માટે પણ ટીકીટ મેળવવી મુશ્કેલ હોવાના સંકેત મળી રહ્યા છે. મોરબી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકા કોંગ્રેસના કબજામાં હતી. જે હસ્તગત કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. પરંતુ ટિકિટ માટેની ભાજપની નવી રણનીતિ મુજબ મોરબી ભાજપના અમુક નેતાઓની ટીકીટ કપાઇ શકે છે. પરંતુ જિલ્લા ભાજપ સંગઠનમાં હોદ્દો ધરાવતા એક નેતા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે તેમજ એક નેતા નગર પાલિકાની બેઠક માટે દાવેદારી કરી ચૂક્યા છે. આ માટે તેઓ સંગઠનમાંથી રાજીનામું આપવા પણ તૈયાર છે. બીજી તરફ બીજા બે નેતા પોતાના પરિવારજનોને ચૂંટણી લડાવવા માંગે છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની એક બેઠક માટે ભાજપના જ બે જૂથો દ્વારા ટીકીટની માંગણી કરાય છે. જેમાંથી એક જૂથ દ્વારા ટિકિટ ન મળે તો અપક્ષ લડવાની પણ અંદરખાને તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે હવે ઉમેદવારોના નામની જાહેરાત થાય ત્યારબાદ શું નવાજુની થાય છે તે જોવાનું રહેશે. દરમિયાન કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતના બીજી ટર્મના પ્રમુખ કિશોર ચીખલિયા તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજ પાંચોટિયા અને નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા તમામ વિધાનસભાની પેટા ચૂંટણી વખતે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં ભળી ગયા હતા હવે તમામે ફરીવાર સભ્ય બનવા દાવેદારી પણ નોધાવી છે. જોકે હવે તેઓને ટિકિટ મળશે કે કેમ તે અંગે ભારે અસમંજસ ચાલી રહ્યા છે કારણકે મહાનગર પાલિકામાં ઉમેદવાર જાહેર થયા બાદ જે રીતે ભાજપમાં કાર્યકરોનો રોષ જોવા મળી રહ્યો છે. તે રીતે જો જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં આ રીતે કોંગ્રેસમાંથી આવેલા પેરાશૂટ ઉમેદવારને ટિકિટ આપે તો ગ્રામ્ય કક્ષાએ પણ ભાજપમાં આંતરિક ડખ્ખો થવાની સંભાવના સેવાઈ રહી છે. આ રીતે જોતા પક્ષ પણ ફૂંકી ફૂંકીને પગ મૂકે તેવી સંભાવના છે. એવી સ્થિતિમાં જો પાર્લામેન્ટરી બોર્ડ આ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ ને ભાજપ ટિકિટ ન આપે તો આ ત્રણેય આગેવાનોની સ્થિતિ ન ઘરના કે ઘટના બને તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ટીકીટની ટકટકમાં એક સમયે મોરબી યુવા ભાજપના પ્રમુખ તરીકે રહી ચૂકેલા એક નેતાને હાલમાં તેમના વોર્ડમાંથી પક્ષ દ્વારા અવગણના કરવામાં આવી હતી. જેને લઇને આ યુવા નેતા પણ પોતાના વોર્ડમાંથી અપક્ષ ઉમેદવારી કરવા માટે તૈયાર છે. તો બીજી તરફ એ જ વોર્ડમાં એક જ જ્ઞાતિના બે ઉમેદવારો પણ ટિકિટ મેળવવા માટે પૂરું જોર લગાવી રહ્યા છે. ટીકીટ ફાળવણીને લઈ મોરબીના પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની યાદી બનાવવા માટે સતત બેઠકો થઈ રહી છે. હાલમાં સાંસદ કુંડારીયા કોરોનાને કારણે હાજર નથી રહેતા. પરંતુ પ્રદેશ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા તથા જિલ્લા, તાલુકા અને શહેર હોદ્દેદારો સાથે સતત બેઠકો થઇ રહી છે. પરંતુ હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા એક પરિવાર એક હોદ્દાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ પરિવારમાં ભાઇઓને સાથે ગણવાના કે નહીં ? એ સ્પષ્ટતા નથી કરાઈ. જો હોદ્દેદારોના ભાઈને ચૂંટણીમાં ટિકિટ ન અપાય તો મોરબીમાં ઘણા સિનિયર અને જુનિયર નેતાઓના પત્તા કપાઇ જાય છે. બીજી બાજુ સ્થાનિક આગેવાનો પરિવારમાં માત્ર સંતાનો, પત્ની અને માતા-પિતા જ આવતા હોવાનું જણાવી રહ્યા છે.