બગસરા ગામના ખેડૂતે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી માળીયા : માળીયા પંથકમાં બગસરા ગામે ખેતરના રસ્તે મીઠા ભરેલા ભારેખમ વાહનો પસાર થતા હોય એ વાહનોમાંથી મીઠું ઢોળવાથી ખેતીની જમીન ખારી બની જાય છે.સરવાળે પાકને નુકસાન થાય છે.આથી ગામના ખેડૂતે જિલ્લા કલેક્ટરને રજુઆત કરીને જો બગસરા ગામે ખેતરના રસ્તે મીઠા ભરેલા વાહનોના પરિવહનને બંધ ન કરાઇ તો હાઇકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. માળીયા તાલુકાના બગસરા ગામના ખેડૂત સુજાભાઈ જેરામભાઈ વાઘેલાએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરીને જણાવ્યું હતું કે, બગસરા ગામે આવેલા ખેતરોના રસ્તે મીઠા ભરેલા ભારેખમ વાહનો પસાર થાય છે.આ વાહનોમાં મીઠું ઓવરલોડ ભરેલું હોવાથી વાહનોથી મીઠું ખેતરોના રસ્તે ઢોળવાથી ખેતીની જમીન ખારી થઈ જાય છે અને રસ્તે ઢોળાયેલું મીઠું પવનને કારણે ઉડીને ખતરોમાં આવે છે.જથી ખેતરોમાં ઉભા મોલને નુકસાન થાય છે. વધુમાં જણાવ્યું હતું કે, બગસરા ગામના ખરાબમાં તેમજ ગૌચર જમીનની બાજુમાં મીઠાના ઢગલા અગાઉ કરેલા હતા.તેમાં વાહનો પસાર થવાના કારણે મીઠાવાળી ધૂળ ખેતરોમાં ઉડતા પાકને નુકસાન થાય છે.તેમજ બાજુમાં મીઠું હોવાથી ચોમાસા વરસાદમાં ધોવાઈને ખેતરોમાં આવતા ખરીફ પાકને નુકસાન કરે છે.આથી આ ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.અન્યથા તેમણે આત્મવિલોપન કરવા અથવા કોર્ટમાં પી.એલ.આઈ.આર કરવાની ચીમકી આપી હતી. જો કે પોલીસ સમક્ષ તેમણે નિવેદન નોંધાવ્યું હતું કે તેઓ આત્મવિલોપન નહિ કરે અને આત્મવિલોપન કરવાની ચીમકી પાછી ખેંચી લીધી છે. હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની પણ ચીમકી આપી છે.