કેનાલની બીજી બાજુનો રોડ તાત્કાલિક નવો કરવા પણ રજૂઆત મોરબી : મોરબીના બાયપાસથી રફાળેશ્વર નેશનલ હાઇવે સુધીના રોડને તાકીદે રીપેર કરવા તેમજ કેનાલની બીજી બાજુનો રોડ તાત્કાલિક નવો કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે મોરબીના બાયપાસથી રફાળેશ્વર નેશનલ હાઇવે 8-A સુધીના રોડની સરફેસ ખુબ જ ખરાબ થઈ જવા પામેલ છે. અને આ પરસ્થિતિ છેલ્લા ત્રણ વર્ષથી છે. આ બાબતે અગાઉ પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવેલ પરંતુ બહેરા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું જણાતું નથી. આ ખરાબ રોડના કારણે જે રોડમાથી કાકરા અને મેટલ નીકળી જવા પામેલ છે. તેનાથી મોટા વાહનોના ટાયરમાથી પથ્થરો છૂટવાના કારણે સ્થાનિક અવરજવર કરતાં લોકોને અવારનવાર ઇજાઓ થાય છે. હાલમાં જ આવો જ એક બનાવ બનવા પામેલ છે. જેમાં એક વૃધ્ધ જેમનું નામ બચુબાપા સાણજા છે. તેઓને આ પથ્થર લાગવાના કારણે પગમાં ઇજાઓ થવા પામેલ છે. આ ઉપરાંત, કેનાલની બીજી બાજુનો રોડ પણ પાકો કરવાની જાહેરાતો નેતાઓ દ્વારા અવારનવાર કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી આ લોલિપોપ જ સાબિત થયેલ છે. અને હાલમાં રવાપર ચાર રસ્તાથી અવની ચાર રસ્તા સુધીના રોડ પર ખુબ જ ટ્રાફિક થાય છે. અને ત્યાં પણ ઉપર મુજબની પરિસ્થિતી છે. વાહન ચાલતા પથ્થરો તો ઉડે જ છે. પરંતુ ડસ્ટ પણ ખુબ જ ઉડે છે. જેના કારણે આ રોડ પર આવેલી સ્કૂલ અને તેના બાળકો તેમજ આસપાસ રહેતા લોકોને પારાવાર મુશ્કેલીને સામનો કરવો પડી રહ્યો છે. આ બંને રોડના કામો તાત્કાલિકના ધોરણે ચાલુ કરવામાં આવે અને આ વિસ્તારના લોકોને મુશ્કેલીમાથી બહાર કાઢવામાં આવે. જો આવું કરવામાં નહિ આવે તો ના છૂટકે ગાંધી ચિનધ્યા માર્ગે રજૂઆતો કરવાની ફરજ પડશે તો આ બાબતે સત્વરે કાર્યવાહી કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.