જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૬૭૨ મતદાન મથકો અને મોરબી, માળીયા અને વાંકાનેર પાલિકાની ચૂંટણીમાં ૧૮૯ મતદાન મથકો ઉપર થશે મતદાન મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તૈયારીને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. આગામી ચૂંટણીમાં મોરબી જિલ્લા તાલુકા પંચાયતની કુલ 126 બેઠકો માટે ચૂંટણી લડતા રાજકીય પક્ષના ઉમેદવારોનું ભાવિ 5,38,270 મતદારો નક્કી કરશે. જયારે મોરબી, માળીયા અને વાંકાનેર પાલિકાની 104 બેઠકોનું ભાવિ 1,88,937 મતદારો ભાવિ નક્કી કરશે. આજે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં આ વિગતો જાહેર કરવામાં આવી હતી. આગામી તા.28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંગે આજે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પત્રકાર પરિષદ યોજી મહત્વપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 5,38.270 મતદારો રાજકીય ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. વધુમાં, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં કુલ 672 મતદાન મથકો નક્કી કરાયા છે. જેમાં 772 ઇવીએમનો ઉપયોગ કરવામાં આવશે અને આ ચૂંટણી પ્રક્રિયા માટે 3859 ચૂંટણી સ્ટાફને તૈનાત કરવામાં આવશે. એ જ રીતે જિલ્લાની ત્રણ નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં 104 બેઠકો માટે મતદાન થવાનું છે. જે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 189 મતદાન મથકો નક્કી કરાયા છે. જેમાં 434 બેલેટ અને 217 સીયુ યુનિટનો મતદાન માટે ઉપયોગ કરશે. મોરબી માળીયા અને વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે 1038 ચૂંટણી સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે અને ત્રણેય પાલિકામાં કુલ 1,88,937 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.