હળવદ : હળવદ નજીક આજે ડીઝલ જેવુ પ્રવાહી ભરેલું ટેન્કર ઓચીતું પલ્ટી મારી જતા ડીઝલની રેલમછેલ થઈ હતી અને આ ડીઝલ જેવું પ્રવાહી લેવા માટે ઘટનાસ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા.લોકોએ જે હાથ લાગ્યું તે વાસણ લઈને ડીઝલ લેવા લૂંટા લૂંટ મચાવી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક આજે ડીઝલ જેવું પ્રવાહી ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું.તે સમયે ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર રોડની સાઈડમાં બાવળની ઝાડીમાં ટેન્કર પલ્ટી મારી ગયું હતું. આથી ટેન્કરમાંથી મોટી માત્રામાં ડીઝલ જેવું પ્રવાહી ઢોળાયું હતું. આ બનાવની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા અને ડીઝલ લઈ જવા માટે જે વાસણ હાથ લાગ્યું તે લઈને ડીઝલ ભરવા પડાપડી કરી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ ડીઝલ ભરેલું ટેન્કર મોરબીથી હળવદ તરફ આવી રહ્યું હતું.ત્યારે આ ટેન્કર અચાનક પલ્ટી મારી ગયું હતું.સાથેસાથે ટેન્કરમાં રહેલું પ્રવાહી બાયો ડીઝલ હોવાની સૂત્રોએ શકયતા વ્યક્ત કરી છે.જો કે, હકીકતમાં આ ટેન્કરમાં કયું પ્રવાહી છે તે પોલીસ તપાસ બાદ બહાર આવશે.જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પૂર્વે જ લોકો મોટા મોટા બેરલ અને ટેન્કર લઈને મોંઘભાવનું ડીઝલ જેવું પ્રવાહી મેળવવા પડાપડી કરતા ઘટનાસ્થળે અનોખો માહોલ જોવા મળ્યો હતો.