મોરબીમાં મો, ગળા, ફેફસા અને લિવસ કેન્સરના દર્દીઓ વધ્યા: સમગ્ર ભારતમાં કેન્સરના દર્દીઓનું સૌથી ઊંચું પ્રમાણ ગુજરાતમાં મોરબી : આજે વિશ્વ કેન્સર દિવસ છે, સમગ્ર ભારતમાં અસાધ્ય કહી શકાય તેવા કેન્સરના દર્દીઓનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં સૌથી વધુ કેન્સરના દર્દી ગુજરાતમાં છે અને મોરબી જેવા નાના જિલ્લામાં પણ વર્ષે ૧૫૦૦ જેટલા લોકો કેન્સરનો શિકાર બની રહ્યા છે જેની પાછળનું મુખ્ય કારણ તમાકુ, પાન- માવાનું સેવન જવાબદાર હોવાનું તબીબો જણાવી રહ્યા છે. જો કે, સરકાર અને સ્વૈચ્છીક સંસ્થાઓ કેન્સરની બીમારીથી લોકોને બચાવવા અનેક વિધ જનજાગૃતિ કાર્યક્રમો કરી રહી છે પરંતુ વ્યસનને કારણે કેન્સરની બીમારી વધુ ફેલાઈ રહી છે. મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. વિજય ગઢીયાના જણાવ્યા મુજબ દરવર્ષે ૪ ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરી લોકોને જાગૃત કરવામાં આવે છે. અને કેન્સર અંગે લોકોમાં રહેલા ડરને નાબૂદ કરવા માટે કોઈ થીમ નક્કી કરવામાં આવે છે અને અને તેના દ્વારા સારવાર માટે જાગૃતતા લાવવામાં આવે છે.બવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુ.એચ.ઓ)ના એક અહેવાલ પ્રમાણે 10 ભારતીયમાંથી 1 ભારતીયને કેન્સર થાય છે, અને દર વર્ષે આ રોગના લગભગ 16 મિલિયન કેસ નોંધાયેલા છે. આ દરમિયાન, વૈશ્વિક સ્તરે દર વર્ષે કેન્સરને કારણે 6 લોકોમાંથી 1 પોતાનો જીવ ગુમાવે છે. મોરબી જિલ્લાની સ્થિતિ અંગેનો ચિતાર આપતા આઈએમએ પ્રમુખ ગાઢીયા કહે છે કે મોરબી જિલ્લાના મો, ગળા અને ફેફસાના કેન્સરનું પ્રમાણ વધુ છે જેની પાછળ તમાકુ, બીડી અને સિગારેટ જેવા દુષણ જવાબદાર ગણી શકાય ઉપરાંત છેલ્લા વર્ષોમાં લીવર અને પેટના કેન્સર પણ જોવા મળી રહ્યા છે અને વર્ષ દરમિયાન ૧૫૦૦ જેટલા દર્દીઓ કેન્સરનો શિકાર બની રહ્યા છે જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. કેન્સરમાં અસંખ્ય પ્રકારો હોય છે, તેથી વિવિધ પ્રકારના રંગો અને પ્રતીકોનો ઉપયોગ ચોક્કસ પ્રકારના કેન્સરને ચિહ્નિત કરવા અને તેની સામેની લડતને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે નારંગી રિબન બાળકોમાં કેન્સરની જાગૃતિ લાવવા માટે છે, જ્યારે ગુલાબી રિબન વૈશ્વિક સ્તરે સ્તન કેન્સરની જાગૃતિ સાથે સંકળાયેલું છે. દર્દીઓ અને બચેલા લોકોની આશાના પ્રતીક તરીકે, ડેફોડિલ ફૂલનો ઉપયોગ અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા ભવિષ્ય માટે કરવામાં આવે છે જ્યાં આ જીવલેણ બીમારી અસ્તિત્વમાં નથી. વર્ષ 2000 માં કેન્સર સામેની પ્રથમ વર્લ્ડ સમિટમાં વિશ્વ કેન્સર દિવસને સત્તાવાર રીતે બનાવવામાં આવ્યો હતો. આ ઘટના પેરિસમાં થઈ હતી અને તેમાં કેન્સર સંસ્થાઓના સભ્યો અને વિશ્વભરના અગ્રણી, સરકારી નેતાઓ હાજર રહ્યા હતા. કેન્સર વિરુદ્ધ ચાર્ટર પેરિસ નામના એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં કેન્સરના દર્દીઓની સુવિધા અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાની વૈશ્વિક કટિબદ્ધતાની રૂપરેખા છે. કેન્સરના સંશોધન, નિવારણ અને સારવારમાં ઉન્નતિ અને વધેલા રોકાણોને પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ ચાર્ટરના આર્ટિકલ એક્સે સત્તાવાર રીતે ૪ ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ તરીકે જાહેર કર્યો હતો. વિશ્વ કેન્સર દિવસના સન્માનમાં ઘણી આરોગ્ય સંસ્થાઓ અને કેન્સર કેન્દ્રો તેમની વેબસાઇટ્સ ઉપર વિવિધ શૈક્ષણિક પ્રકાશનો અને કેન્સર નિવારણ વિશેની સામગ્રી ઉપલબ્ધ કરે છે. કેટલાક સ્થળોએ વિશ્વ કેન્સર દિવસને પરેડ અથવા સ્થાનિક ભંડોળ એકત્ર કરવાની ઇવેન્ટ ગોઠવવામાં આવે છે. આ ઉપરાંત, કેટલાક દેશો સપ્તાહ દરમિયાન કેન્સર વિશેના વિશેષ ટેલિવિઝન પ્રસારણો અથવા રેડિયો કાર્યક્રમોનું પ્રસારણ કરે છે.