રોષે ભરાયેલા સ્થાનિકોએ ટ્રકને અટકાવી જવાબદાર ફેકટરીના લોકોને બોલાવીને માટીનો ઢગલો ઉપડાવ્યો મોરબી : મોરબી હળવદ રોડ ઉપર ઘુંટુ ગામ પાસે આજે પસાર થઈ રહેલા ટ્રકમાંથી સીરામીકના ભીની માટીનો ઢગલી પડતા સ્થાનિક લોકો રોષે ભરાય હતા અને ટ્રકને ત્યાંજ અટકાવી દીધો હતો.બાદમાં જે તે જવાબદાર ફેકટરીના લોકોને બોલાવીને રોડ ઉપર પડેલા માટીના ઢગલાને ઉપડાવ્યા હતા. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી હળવદ રોડ ઉપર ઘુંટુ ગામ નજીક આજે સીરામીકની ભીની માટી ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો.ત્યારે ટ્રકમાંથી ભીની માટીના પીડ નીચે પડ્યા હતા અને વધુ પ્રમાણમાં રોડ ઉપર ભીની માટીના ઢગલા થઈ ગયા હતા.આથી સ્થાનિકો રોષે ભરાયા હતા અને સ્થાનિક લોકોએ ટ્રકને ત્યાંજ અટકાવી દઈને હલલબોલ કર્યું હતું.બાદમાં જે તે જવાબદાર ફેકટરીના લોકોએ આવીને માટીના ઢગલા ઉપડયા હતા. સ્થાનિક લોકોએ એવો બળાપો ઠાલવ્યો હતો કે, રોડ ઉપર પસાર થતા સીરામીકની માટી ભરેલા ભારેખમ વાહનોમાંથી વારંવાર ભીની માટી રોડ ઉપર પડે છે.જેથી રોડ ઉપર માટીના થર જામતા બમ્પ જેવા બની જાય છે.જેથી અકસ્માતની ભીતિ રહે છે અને રોડ ઉપર પડેલી ભીની માટી પવનને કારણે સુકાઈ જતા રજકણ બનીને ઉડે છે.આ રજકણથી લોકોના આરોગ્ય ઉપર ખતરો રહે છે. રજકણના પ્રદુષણથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે ખાસ કરીને સીરામીક ઝોનમાં આ રીતે માટી નીચે પડવાથી લોકોને મુશ્કેલી વેઠવી પડે છે.