માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાની ટેકાના ભાવે ચણાની ખરીદીની તારીખમાં ફેરફાર કરવા અંગે કૃષિમંત્રીને રજુઆત મોરબી : રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી 16 ફ્રેબ્રુઆરીથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પણ આ વખતે વધુ વરસાદથી ચણાનું વાવેતર ઘણું મોડું થયું હોવાથી 16 ફ્રેબ્રુઆરીથી શરૂ થનાર ચણાની ખરીદી માટે તૈયાર માલ ન હોવાને કારણે 16 ફ્રેબ્રુઆરીને બદલે 1 માર્ચથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવા માંગ ઉઠી છે. મોરબીના માર્કેટીંગ યાર્ડના ચરેમેન મગનભાઈ વડાવીયાએ કેબિનેટ કૃષિમંત્રી આર. સી. ફળદુને રજુઆત કરી હતી કે, રાજ્ય સરકારના આદેશ મુજબ આગામી 16 ફ્રેબ્રુઆરીએ રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થનાર છે અને ટેકાના ભાવે ચણાની ખરીદી 90 દિવસ સુધી ચાલશે. પરંતુ હકીકતમાં ગત વર્ષે વધુ વરસાદ પડ્યો હતો એટલે રવીપાકના વાવેતરમાં વિલંબ થયો છે. જેથી, હજુ સુધી ખેડૂતોના ઘરમાં ચણાનું ઉત્પાદનનો તૈયાર માલ છે જ નહીં. આથી, 16 મીએ શરૂ થતી ટેકાના ભાવે ચણાની ખરીદીથી ખેડૂતો વંચિત રહી જશે. વધુમાં જણાવ્યું હતું કે, 16 ફ્રેબ્રુઆરીથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવશે. તો મોરબી જિલ્લાના એકપણ ખેડૂત પાસે ચણાનો માલ તૈયાર ન હોવાથી આ ટેકાના ભાવેની ખરીદીમાં મોરબી જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે નહીં. આથી, સરકાર 16 ફ્રેબ્રુઆરીને બદલે 1 માર્ચથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાવે તેવી તેમણે માંગણી કરી છે.