ઘડિયાલ અને સીરામીક ઉદ્યોગ માટે કેન્દ્રીય બજેટમાં કોઈ ઉલ્લેખ નહીં મોરબી : નાણાંમંત્રી નિર્મલા સીતારામણે આજે સોમવારે સાલ 2021-22નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેમાં મોરબીના વિશ્વ પ્રસિદ્ધ એવા બે ઉદ્યોગ ઘડિયાલ અને સીરામીક ક્ષેત્ર માટે કોઈ ઉલ્લેખ ન કરતા ઉદ્યોગકારોમાં મહદઅંશે નિરાશાની લાગણી ઉદ્દભવી છે. ચાલુ નાણાકીય વર્ષ માટે નાણાંમંત્રી નિર્મલા સીતારણે આજે સોમવારે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જે મોરબીના ઉદ્યોગકારોની આશા-અપેક્ષામાં ખરું ઉતર્યું ન હતું. કલોક એસોસિએશનના પ્રમુખ શશાંક દંગીએ આ બજેટ અંગે મોરબી અપડેટને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ઘડિયાળ ઉદ્યોગ માટે આ બજેટ નહિ નફો નહિ નુકશાન જેવું રહ્યું છે. હાલની જે પરિસ્થિતિ છે તેમાં કોઈ સુધારો થાય એવી બજેટમાં કોઈ જોગવાઈ નથી કરાઈ. જો કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકારે જે પગલાં લીધા છે તેને લઈને રોજગારી વધે તો ઘડિયાલ ઉદ્યોગને ભવિષ્યમાં રાહત મળવાની સંભાવના હોવાનો આશાવાદ શશાંકભાઈએ વ્યક્ત કર્યો હતો. આ અંગે વિસ્તૃત માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે ઘડિયાર ઉધોગ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની વ્યાખ્યામાં આવે છે. આ ઉધોગ ઓછા રોકાણે વધુ લોકોને રોજગાર પૂરો પાડી રહ્યો છે. આથી, નાના ઉદ્યોગકારોને જીએસટીમાં જો રાહત અપાઈ હોત તો કદાચ આ ઉધોગનું ભાવિ વધુ ઉજ્જવળ બન્યું હોત. ખાસ કરીને ઘડિયાલ ઉદ્યોગ જ્યારે ચીન જેવા દેશોને ફાઈટ આપી રહ્યો હોય ત્યારે આ ઉદ્યોગના વિકાસ માટે સરકારે ગંભીરતાપૂર્વક નીતિઓ બનાવી હોત તો ઘડિયાર ઉધોગને વધુ હરણફાળ ભરવાની મોકળાશ મળી શકી હોત. હાલ ઘડિયાર ઉધોગ 18 ટકા ટેક્ષમાં સમવાયેલો છે. જેમાં 50 ટકા રાહત આપીને 09 ટકા ટેક્ષ સ્લેબમાં સમાવેશ કરવાની અપેક્ષા હાલ તો સંતોષાઈ નથી. જો કે, અન્ય ક્ષેત્રોમાં જે રાહતો અપાઈ છે તેનો આડકતરો લાભ ઘડિયાલ ઉદ્યોગને મળશે એવો આશાવાદ શશાંકભાઈએ અંતમાં વ્યક્ત કર્યો હતો. જ્યારે સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરિયાએ બજેટ વિશેની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સીરામીક ઉધોગની એકપણ માંગ આ બજેટમાં સંતોષાઈ નથી. જો કે, આવનારા સમયમાં સીરામીક ઉધોગકારોની માંગ સરકાર સંતોષશે એવી આશા તેઓ સેવી રહ્યા છે. જ્યારે સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશ ઉધરેજાએ બજેટ વિશે જણાવ્યું હતું કે, સીરામીક ઉદ્યોગકારોની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપિંગની આશા પર હાલ પૂરતું પાણી ફરી વળ્યું છે. આ ઉપરાંત નિકાસની પોલિસીમાં પ્રોત્સાહનની અપેક્ષા પણ ઉદ્યોગ સેવી રહ્યો હતો. ગેસને જીએસટીના દાયરામાં લાવવાની ઉધોગની માંગ પણ પુરી થઈ નથી. મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રજૂ કરવામાં આવેલા બજેટમાં મોરબીના કોઈપણ ઉદ્યોગનો ઉલ્લેખ જ ન હતો. હાલમાં ઉદ્યોગ ક્ષેત્રે પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોઈ નવો ફેરફાર થાય એવી કોઈ જોગવાઈ બજેટમાં કરવામાં આવી નથી. ખાસ કરીને ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીના દાયરામાં સમાવવાની જે આશા-અપેક્ષા હતી તે સંતોષાઈ નથી. હાલની લોકોની આર્થિક સ્થિતિ જોતા પેટ્રોલિયમ પ્રોડક્ટ પર ડ્યુટી ઘટાડવાની આશા સેવાતી હતી જે પરિપૂર્ણ થઈ નથી એમ જયંતિભાઈએ જણાવ્યું હતું. આ ઉપરાંત ઇન્કમટેક્ષના સ્લેબમાં ફેરફારની આશા સેવતો સરકારી નોકરિયાત વર્ગ અને નાના ઉધોગકારોની આશા ઠગારી નીવડી છે. ઉલ્લેખનીય છે કે, આ બજેટમાં સ્વાસ્થ્ય અને કૃષિ ક્ષેત્ર પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે પેટ્રોલ પર લિટરે 2.5 રૂપિયા અને ડીઝલ પર 4 રૂપિયા કૃષિ સેસ ઝીંકવામાં આવ્યો છે. જો કે, આ વધેલા સેસનું ભારણ હાલ પૂરતું તો જે તે પેટ્રોલિયમ કંપની પર નાખવામાં આવ્યું છે. જેથી, આ સેસનો વધારો હાલ પૂરતો તો નાગરિકો પર આવશે નહીં. અલબત્ત વર્ષ દરમ્યાન આંતરરાષ્ટ્રીય ક્રૂડ માર્કેટના ભાવ વધારાને લઈને ગમે ત્યારે આ સેસ વાહનચાલકો પર ધીમે ધીમે નાંખી દેવામાં આવે તો કશું આશ્ચર્ય નહીં હોય એવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. એકંદરે ચાલુ વર્ષનું કેન્દ્રીય બજેટ મોરબી માટે ઉત્સાહવર્ધક નથી એવો સુર ઉઠી રહ્યો છે.