સામાકાંઠેના વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી શેરી અને ઘરમાં દૂષિત પાણી ભરાતા હોવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા મહિલાઓ વિફરી : ગટરનો પ્રશ્ન હલ ન થાય ઉગ્ર આંદોલનની ચીમકી મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી ગટર ઉભરાતી હોય એ ઉભરાતી ગટરના દૂષિત પાણી શેરી અને ઘરોમાં ફળી વળવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા આ સોસાયટીની મહિલાઓ વિફરી હતી અને રોષે ભરાયેલી મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ ઘસી જઈને તંત્ર સામે મોરચો માંડ્યો હતો. મહિલાઓએ પાલિકા તંત્ર સમક્ષ ગટર ઉભરાતી હોવાથી ભોગવવી પડતી હાલાકીની ઉગ્ર રજુઆત કરી હતી. જો કે તંત્ર હાલ પૂરતી આ સમસ્યા હલ કરવાની ખાતરી આપી હતી. તેમ છતાં પણ ગટરનો પ્રશ્ન હલ ન થાય તો મહિલાઓએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. મોરબીના સામાકાંઠે આવેલ વર્ધમાન સોસાયટીમાં ઉભરાતી ગટર પ્રશ્ને મહિલાઓનું ટોળું આજે પાલિકા કચેરીએ ધસી ગયું હતું. મહિલાઓએ પાલિકા તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે, તેમની સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી ગટર ઉભરાઈ રહી છે અને ગટર ઉભરાતી હોવાથી શેરીમાં તો ઠીક પણ ઘરમાં પણ ગટરના દૂષિત પાણી ઘુસી જાય છે. આથી, લોકો દૈનિક ક્રિયાઓ પણ કરી શકતા નથી. ઘરમાં ગટરના પાણી ફરી વળતા રોગચાળો ફેલાય તેવી દહેશત છે. આ ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ કરવા સ્થાનિકોએ તંત્ર સમક્ષ અનેક રજુઆતો કરી હતી. પણ દરેક રજૂઆતનો ડૂચો વાળી દેવતા ગટર ઉભરાવવાનો પ્રશ્ન યથાવત રહેવાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગટર ઉભરાવવાની મહિલાઓની રજુઆત બાદ ભૂગર્ભ વિભાગનું કામ સાંભળતા બુચભાઈએ જણાવ્યું હતું કે, તેમની સોસાયટીમાં ઉભરાતી ગટરની સમસ્યા હલ કરવા ત્યાં ભૂગર્ભની નવી કુંડી બનાવવાની છે. ટૂંક સમયમાં ગટરની સફાઈ કરીને ભૂગર્ભનું કુંડી બનાવીને આ પ્રશ્ન હલ કરાશે. તંત્રએ ખાતરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે. આ ઉપરાંત, વીસીપરામાં આવેલ કુલીનગર પાછળ વાડી વિસ્તારમાં પણ ગટર ઉભરાવવાની સમસ્યા અંગે સ્થાનિકોએ આજે પાલિકામાં ઉગ્ર રજુઆત કરી હતી. આજના દિવસે પાલિકામાં ચારથી પાંચ ભૂગર્ભ ગટર ઉભરાવવાની ફરિયાદો આવી હતી અને સ્થાનિકોએ પાલિકામાં જઈને ભૂગર્ભ ઉભરાવવાની સમસ્યા મામલે રજુઆત કરી હતી. પણ તંત્રએ ખાતરી આપીને ટોળાને રવાના કરી દીધા છે. જો કે ઘણા સમયથી શહેરમાં ગટર ઉભરાવવાનો સળગતો પ્રશ્ન છે. એથી, તંત્રએ લોકોને મુશ્કેલીઓ સમજીને માત્ર વાતોના વડા કે ખાતરી આપવાને બદલે નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.