આજે લાલા લજપત રાયની જન્મજયંતિ : 'પંજાબ કેસરી' તરીકે જાણીતા છે સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપત રાય લાલા લજપત રાય એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેઓ 'પંજાબ કેસરી' તરીકે પણ જાણીતા છે. લાલા લજપતરાયનો જન્મ મોસાળના ગામ ફિરોજપુર જિલ્લાના ડુડિકામાં થયો હતો. એમનું વતન લુધિયાણા જિલ્લાનું જગસંવ ગામ હતું. તેમનો જન્મ 28 જાન્યુઆરી, 1865ના રોજ જૈન પરીવારમાં થયો હતો. પંજાબ પ્રાંતના લાલા લજપતરાય, મહારાષ્ટ્રના બાલ ગંગાધર તિલક અને બંગાળના બિપિનચંદ્ર પાલ એમ લાલ-બાલ-પાલ તરીકે જાણીતી આ ત્રિપુટીએ ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં મહત્વનો ફાળો આપ્યો હતો. લાલા લજપત રાયના પિતા મુન્શી રાધાકૃષ્ણ અગ્રવાલ સરકારી શાળામાં ઉર્દૂ અને ફારસી ભાષાના શિક્ષક હતા. 1870માં તેમના પિતાની બદલી રેવારી ખાતે થતાં તેમનું પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં થયું હતું. 1880માં તેમણે કાયદાશાસ્ત્રના અભ્યાસ માટે લાહોર ગવર્મેન્ટ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો. અહીં તેમનો પરિચય લાલા હંસરાજ અને ગુરુદત્ત જેવા દેશભક્ત અને ભવિષ્યના સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે થયો હતો. લાહોર ખાતેના અભ્યાસ દરમિયાન જ દયાનંદ સરસ્વતીના હિંદુ સુધારણા આંદોલનથી પ્રભાવિત થઈ આર્ય સમાજના સભ્ય બન્યા હતા. ઉપરાંત, લાહોર સ્થિત આર્ય ગેજેટના સંસ્થાપક સંપાદક બન્યા હતા. કાયદાના અભ્યાસ દરમિયાન લાલા લજપતરાયના માનસમાં એ વિચાર દૃઢ બનતો રહ્યો કે રાષ્ટ્રીયપ્રેમથી વધુ હિન્દુ ધર્મ ભારતીય જીવનશૈલીનું કેન્દ્રબિંદુ હતો. તેમના મતે ધર્મ અને રાષ્ટ્રવાદી વિચારોને એકસૂત્ર કરીને ધર્મનિરપેક્ષ રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય છે. હિંદુ મહાસભા સાથેના તેમના સંબંધો અંગે નૌજવાન ભારત સભા દ્વારા આલોચના કરવામાં આવી કારણ કે મહાસભા સાંપ્રદાયિક વિચારધારા ધરાવતી હતી. જે કોંગ્રેસ દ્વારા નિર્ધારીત પ્રણાલીને અનુરૂપ ન હતી. લાલા લજપતરાયની રાષ્ટ્રભક્તિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સામેલ થવા બદલ તથા પંજાબના રાજનૈતિક આંદોલનમાં ભાગ લેવા બદલ લાલા લાજપતરાયને 1907માં કોઇપણ પ્રકારનો અદાલતી કેસ ચલાવ્યા વિના જ બર્મા (હાલ મ્યાનમાર) ખાતે દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પરંતુ સરકાર ઉથલાવી દેવાના પ્રયાસોમાં તેમના વિરુદ્ધ પૂરતા પુરાવાઓના અભાવે નવેમ્બર 1907માં વાઇસરોય લોર્ડ મિન્ટોએ તેમને ભારત પાછા ફરવાની અનુમતિ આપી હતી. લજપતરાયના સમર્થકોએ 1907ના સુરત અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તેમના નામનો ચૂંટણી પ્રચાર કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા ન હતા. તેઓ 1920ના કલકત્તા અધિવેશનમાં (વિશેષ સત્ર) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા હતા. 1921માં લાહોર ખાતે સર્વન્ટ ઓફ ધ પીપલ સોસાયટી નામના સંગઠનની સ્થાપના કરી હતી. વિભાજન બાદ સંગઠનને દિલ્હી ખાતે સ્થળાંતરીત કરાયું અને દેશભરમાં તેની શાખાઓ ખોલવામાં આવી હતી. સાયમન કમિશનનો વિરોધ 1928માં બ્રિટીશ સરકારે ભારતની રાજનૈતિક પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે જ્હોન સાઇમનના વડપણ હેઠળ એક તપાસ પંચની રચના કરી હતી. પંચના સભ્યોમાં એક પણ ભારતીય ન હોવાના કારણે ભારતીય રાજનૈતિક દળોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો હતો. કમિશનના વિરોધમાં દેશવ્યાપી આંદોલનો થયા હતા. 30 ઓક્ટોબર, 1928ના રોજ આયોગની લાહોર મુલાકાતના વિરોધમાં લાલા લાજપતરાયે એક અહિંસક પ્રદર્શનનું નેતૃત્ત્વ કર્યું હતું. પ્રદર્શનમાં સાઇમન ગો બેકના નારા સાથે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષક જેમ્સ એ. સ્કોટે પોલીસને લાઠીચાર્જનો આદેશ આપ્યો હતો. જેમાં પ્રદર્શનકારીઓ અને ખાસ કરીને લાજપતરાય પર પ્રહાર કર્યો હતો. લાઠીચાર્જથી ઝખ્મી થયેલા લજપતરાયે ભીડને સંબોધિત કરતાં જણાવ્યું કે, 'હું ઘોષણા કરું છું કે આજે મારા પર થયેલો પ્રહાર બ્રિટીશ રાજના કોફીન પરનો અંતિમ ખીલો બની રહેશે.' લાઠીચાર્જથી ગંભીર રીતે ઘવાયેલા લજપતરાયનું 17 નવેમ્બર, 1928ના રોજ અવસાન થયું હતું.