ચાર સભ્યોની ટીમે ૧૦૦ વર્ષ જૂની શાળામાં અભ્યાસ કરી સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરનાર મહાનુભાવો પાસેથી કેળવણીની ઝીણવટભરી માહિતી મેળવી મોરબી : જી.સી.ઈ. આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ અને જિલ્લા શિક્ષણ સમિતિ - મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કેળવણીના ઈતિહાસના આલેખન સંદર્ભે જિલ્લા કોર ટીમના સભ્ય દિનેશભાઈ ડી.વડસોલા, પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને પુર બી.આર.સી.કો.ઓર્ડીનેટર મોરબી તેમજ તાલુકા ટીમના સભ્ય અને સી.આર.સી.કો.ઓ.રામકૃષ્ણ રાકેશભાઈ કાંજીયાએ મહાનુભાવોની મુલાકાત લીધી હતી. મોરબી જિલ્લાનો કેળવણીનો ઈતિહાસ લખવા માટે હાલ જિલ્લાની સો જેટલી સો વર્ષ જૂની શાળાઓની કેળવણી અંગેની માહીતી એકત્ર કરવાનું કાર્ય ટીમના સભ્યો દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે ત્યારે સરસ્વતી નિકેતન આશ્રમ જોધપર નદી ખાતે ખૂબજ ચિંતક, આધ્યાત્મિક, દાર્શનિક, અધ્યાપક, લેખક,કથાકાર યોગગુરુ,165 જેટલા પુસ્તકો જેમને લખ્યા છે એવા મૂળ ખાખરાળા ગામના વતની એવા સંતવર્ય આદરણીય ભાણદેવની મુલાકાત લેવામાં આવી હતી. તેઓ લોકભારતી સણોસરા અને લોનાવાલા કોલેજના પ્રોફેસર તરીકે ફરજ બજાવેલ છે. ભાણદેવે જણાવ્યું કે જ્યારે ખાખરાળા ગામમા શાળા શરૂ નહોતી થઈ ત્યારે લખધીરજી ઠાકોરે એક મોહનદાદા નામના બ્રહ્મદેવને ગામમાં બાળકોને ભણાવવાનું કહ્યું હતું અને મોહનદાદા બાળકોને હૃદયપૂર્વક કેળવણી આપતા હતા. પૂજ્ય ભાણદેવજીએ જણાવ્યું કે મારા પિતાશ્રી મોહનદાદા પાસે ભણ્યા હતા. ત્યારબાદ બાદ બે રૂમની ધોરણ ચાર સુધીની સરકારી શાળા શરૂ થઈ હતી એ વખતે સાત વર્ષની ઉંમરે પહેલાં ધોરણમાં દાખલ થતાં,પાંચથી સાત એટલે કે શાળાંત શિક્ષણ મોરબી ખાતે ગિબ્શન મિડલ સ્કૂલ ખાતે મેળવતા હતા અને ધોરણ આઠથી અગિયાર જૂની મેટ્રિકનું શિક્ષણ વી.સી.હાઈસ્કૂલમાં મેળવતા હતા એ વખતે વી.સી.હાઈસ્કૂલમાં 2000 બે હજાર વિદ્યાર્થીઓ આજુબાજુના પાંચ તાલુકાના વિદ્યાર્થીઓ ટ્રેનમાં અભ્યાસ માટે આવતા હતા,કન્યા કેળવણી અંગે પૂછતાં ભણદેવજીએ જણાવ્યું કે એ વખતે 100 વિદ્યાર્થીઓના પ્રમાણમાં માત્ર 5 કે 6 જ વિદ્યાર્થીનીઓ શિક્ષણ મેળવતી હતી. એમને પૂછવામાં આવ્યું કે આપની શિક્ષણ યાત્રા કેવી રીતે શરૂ થઈ તો જવાબમાં જણાવ્યું કે લોક ભારતી સણોસરા ખાતે નોકરી માટે જ્યારે ઈન્ટરવ્યુ આપવા ગયો ત્યારે મનુભાઈ પંચોળી 'દર્શક'દ્વારા પૂછવામાં આવ્યું કે 'શિક્ષણ એટલે શું? તો ભાણદેવજીનો જવાબ હતો કે 'ચકલીમાંથી બાજ બનાવે એ શિક્ષણ' મનુભાઈ આ જવાબથી ખુબજ ખુશ થઈ ગયા અને નોકરી આપી દીધી ત્યારબાદ તેઓએ લોનાવાલા કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી હતી, આમ મોરબી જિલ્લાના કેળવણીના ઈતિહાસ અન્વયે ઘણી બધી માહિતી પૂરી પાડેલ હતી.