ચાર શખ્સોએ પહેલા એક બાઇકને નિશાન બનાવ્યુ, બાઈક સવારને માર પણ માર્યો પણ કઈ હાથ ન લાગતા તેને જવા દીધા હાલ પોલીસ અને ગ્રામજનો દ્વારા વાડી વિસ્તારમાં ત્રણ શખ્સોની ચાલતી શોધખોળ મોરબી : મોરબી નજીક આજે રાત્રીના સમયે લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ચાર શખ્સોની ગેંગે એક વાહનચાલકને માર મારી રૂ. 4 લાખની લૂંટ ચલાવી છે. જો કે આ બનાવને તુરંત જ એક શખ્સ પકડાઈ ગયો છે. બાકીના ત્રણ શખ્સોની પોલીસ અને સ્થાનિકો વાડી વિસ્તારમાં શોધખોળ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. મોરબીના નવલખી ફાટકથી આગળ આવેલા અમરેલી પાટીયા પાસે આજે રાત્રે 9:30થી 10 વાગ્યાના અરસામા લૂંટનો બનાવ બન્યો છે. જેમાં ચાર શખ્સોએ ત્યાંથી નીકળતા વાહનો અટકાવી પથ્થર અને ધોકા વડે હુમલો કર્યો હતો અને એક વાહનચાલક પાસેથી અંદાજે રૂ. 4 લાખની લૂંટ ચલાવી હતી. આ વાહન ચાલકનું નામ પંકજભાઈ પ્રભુભાઈ બાવરવા હોવાનું જાણવા મળે છે. ચારેય શખ્સ પાસે પથ્થર, ધોકા અને છરી જેવા હથિયારો હતા. તેઓએ અગાઉ એક બાઇકને નિશાન બનાવી ધોકો ઘા કર્યો હતો. જેમાં બાઇક પાછળ બેઠેલા મહિલા ઘાયલ પણ થયા હતા. જો કે બાઇક ચાલક પાસેથી કઈ હાથ ન લાગતા આ ગેંગે તેને જવા દીધા હતા. બાદમાં ત્યાંથી પસાર થતી એક કારને નિશાન બનાવી હતી. બનાવની જાણ થતા જ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે જવા રવાના થઈ ગયો હતો. હાલ અમરેલીના ગ્રામજનો અને પોલીસે મળીને એક શખ્સને દબોચી લીધો છે. બાકીના ત્રણ શખ્સની વાડી વિસ્તારમાં શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે રોડ ઉપર રાત્રીના 10 વાગ્યાના અરસામા બેફામ બનીને ખુલ્લેઆમ હુમલાઓ કરીને આ રીતે લૂંટ ચલાવવાના બનાવે અત્યારે ભારે ચર્ચા જગાવી છે. ત્યારે પોલીસે હવે કડક હાથે કામગીરી કરવી જરૂરી બની છે.