મોરબી : સામાન્ય રીતે, પરિવારજનો સદગતની પુણ્યતિથિ નિમિત્તે તેમના મોક્ષાર્થે ધાર્મિક કાર્યો કે સેવાકીય પ્રવૃતિઓ કરતા હોય છે. ત્યારે મોરબીમાં રહેતા પરિવારે સદગતની પુણ્યતિથિ નિમિત્તે રામમંદિર નિર્માણ કાર્ય માટે રૂ. 51 હજારનું અનુદાન કરી સદગતને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પી છે. હાલમાં અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા ભવ્ય રામમંદિર માટે દેશભરમાંથી ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીના બોપલીયા પરીવારે ગઈકાલે તા. 21ના રોજ સ્વ. હરીભાઈ ખીમાભાઈ બોપલીયાની સાતમી પુણ્યતિથિ નિમિત્તે રામમંદિર નિર્માણ કાર્યમાં આર્થિક સહયોગ આપ્યો છે. જે માટે ભાણજીભાઈ માસ્તર, કિશોરભાઈ વકિલ, મીલનભાઈ તથા હરીબાપા બોપલીયા પરીવાર તરફથી રામ જન્મભુમિ તીર્થક્ષેત્રને રૂ. 51,111નું અનુદાન કરવામાં આવેલ છે. આમ, બોપલીયા પરીવારે ધાર્મિક કાર્ય થકી સદગતને શ્રદ્ધાંજલિ આપી છે.