ક્રાંતિકારી સેનાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું મોરબી : દેશની આઝાદી માટે અનેક ક્રાંતિકારીઓએ પોતાની જાતની આહુતિ આપી દીધી છે. તેમાંના એક નેતાજી સુભાષચંદ્ર બોઝે દેશની આઝાદી માટે 'તુમ મુઝે ખૂન દો મેં તું આઝાદી દુંગા'નો બુલંદ નારો લગાવીને પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. ત્યારે આવા ક્રાંતિકારીના વિચારોને આત્મસાત કરી શકે તે માટે મોરબીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવાની માંગ સાથે ક્રાંતિકારી સેનાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. મોરબીના ક્રાંતિકારી સેનાએ જિલ્લા કલેકટરને આવેદનપત્રને આપીને જણાવ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી ક્રાંતિકારી હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી અને તેમણે આપેલું જયહિન્દનું સૂત્ર ભારતની અસ્મિતાનું પ્રતીક બની ગયું છે. આવા મહાન ક્રાંતિકારીઓના બલીદાનથી દેશની મહામૂલી આઝાદી મળી છે. ત્યારે મોરબીમાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમા મુકવામાં આવી છે પણ નેતાજી સુભાષચંદ્ર બોઝની એકપણ સ્થળે પ્રતિમા નથી. તેથી, ક્રાંતિકારી સેનાના કાર્યકર્તાઓ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર બાગ સામે પાર્કિગમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની સ્થાપના કરવા માંગતા હોવાનું જણાવ્યું હતું. આ પ્રતિમાની સ્થાપના પાછળ ત્યાંનો એજ્યુકેશન ઝોન હોવાથી યુવાનોમાં રાષ્ટ્ર પ્રેમ જગાડવાનો ઉદ્દેશ હોવાનું પણ ઉર્મેયું હતું. સાથોસાથ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવા સામે વાંધો હોય તો એક અઠવાડિયામાં જણાવવાની વિનંતી કરી છે.