હળવદ : હળવદ ભાજપમાં સંગઠનના હોદ્દેદારોની નિમણૂકને લઇ પાછલા ઘણા સમયથી કોકડું ગૂંચવાયું હતું. ત્યારે આજે શહેર અને ગ્રામ્ય ભાજપના પ્રમુખ અને મહામંત્રીની જાહેરાત કરવામાં આવી છે. હળવદ ભાજપ સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂકને લઇ પાછલા ઘણા સમયથી ભાજપના બંને જૂથો પોતાનાઓને બેસાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા. ત્યારે આજે આખરે ભાજપનું નવું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગ્રામ્ય ભાજપના પ્રમુખ પદે વાસુદેવભાઈ સિણોજીયા અને શહેર ભાજપ પ્રમુખ પદે કેતનભાઇ દવેની નિમણૂક કરવામાં આવી છે જ્યારે ગ્રામ્ય ભાજપમાં બે મહામંત્રીની પણ નિમણૂક કરવામાં આવી છે જેમાં નરેન્દ્રસિંહ રાણા અને સંજયભાઈ પંચાસરાની પસંદગી કરવામાં આવી હતી જ્યારે શહેર ભાજપ મહામંત્રી પદે સંદીપભાઈ પટેલ અને રમેશ ભાઈ કણજરીયાની નિમણૂક કરાઇ છે. હળવદ ભાજપ સંગઠનનું માળખું જાહેર થયું છે. તેમાં મૂળ ભાજપના છે. તેઓને જ સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા એક પણ વ્યક્તિને સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું નથી.