આરોગ્યની દ્રષ્ટિએ વર્ષ 2019ની તુલનાએ 2020નું વર્ષ ફળદાયી રહ્યું મોરબી : વીતેલું વર્ષ 2020 કોરોનાના કહેરને કારણે કષ્ટદાયક રહ્યું છે. પણ આરોગ્યની દષ્ટિએ 2020નું વર્ષ ફળદાયી રહ્યું હોવાની ખુદ આરોગ્ય તંત્રના સતાવાર આંકડા ગવાહી આપી રહ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં વર્ષ 2019ની સરખામણીએ ગયા વર્ષ 2020માં એકમાત્ર મેલરીયાને બાદ કરતાં તમામ રોગો ઘટ્યા છે. જેમાં ઝાડા ઉલ્ટી, તાવ, શરદી, ઉધરસ જેવા મોટાભાગના રોગો અંકુશ રહ્યા હતા. એનું મુખ્ય કારણ લોકડાઉનમાં બહારના જંકફૂડ સહિતનો હાઈબ્રીડ ખોરાક ખાવાનું બંધ હતું. લોકો ઘરનું શુદ્ધ અને દેશી ખોરાક જ આરોગ્યો હતો. જેથી, લોકો એક્દમ તંદુરસ્ત રહ્યા છે. મોરબી જિલ્લામાં વર્ષ 2019 અને 2020 વર્ષના રોગોના આંકડાની તુલના કરીએ તો 2019 કરતા 2020માં એકમાત્ર મેલરીયાને બાદ કરતાં તમામ રોગો ઘટ્યા હોવાનું સામે આવે છે. જિલ્લા આરોગ્ય તંત્રએ રોગચાળાના દર્શાવેલા સત્તાવાર આંકડા મુજબ 2019માં ઝાડા-ઉલ્ટીના 17349 કેસ હતા. તેમાંથી ઘટીને 2020માં 16535 કેસ થયા છે. એવી જ રીતે મરડાના 2019માં 116 કેસ હતા. જેમાં પણ ઘટીને 2020માં માત્ર બે જ કેસ નોંધાયા હતા. 2019માં ઓરીના 10 કેસ હતા. પણ 2020માં ઓરીના એકપણ કેસ નોંધાયા નથી. જ્યારે 2019 ડીપથેરિયાનો એક કસ હતો. પણ 2020માં એક પણ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત, શરદી-ઉધરસના 58249 કેસ હતા. જે ઘટીને 2020માં 54433 કેસ નોંધાયા હતા. 2019માં પોલિયોના શંકાસ્પદ કેસ 5 કેસ હતા. જેમાં પણ ઘટીને 2020માં 4 જ કેસ નોંધાયા હતા. જ્યારે 2019માં 10,76,260 કુલ દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા. જે ઘટીને કોરોના કાળમાં 9,51,104 દર્દી ઓપીડીમાં આવ્યા હતા. જ્યારે ડેન્ગ્યુના 2019માં 860 કેસ હતા. તેમાંથી ઘટીને ગયા વર્ષે 28 જ કેસ થઈ ગયા છે. જ્યારે ચીકન ગુનિયાના બે વર્ષમાં એકપણ કેસ નોંધાયા નથી. ટાઈફોડના કેસ 129 હતા, જે ઘટીને 41 કેસ થયા છે. જો કે એકમાત્ર મેલરીયામાં ઉછાળો આવ્યો છે. જેમાં 2019માં સાદા મેલરીયાના 199 કેસ હતા. જેમાંથી વધીને 277 કેસ થઈ ગયા છે. તેમજ ઝેરી મેલરીયાના 25 કેસમાંથી વધીને 34 કેસ થયા છે. રોગચાળો ઘટવાનું કારણ શુદ્ધ અને સાત્વિક આહાર 2020માં કોરોનાને કારણે આવી પડેલા લોકડાઉનમાં લોકોને ઘરમાં જ રહેવાની ફરજ પડી હતી. જેથી, બહારનું ખાવાનું એકદમ બંધ થઈ ગયું હતું. આથી, લોકો ઘરે જ શુદ્ધ અને સાત્વિક આહાર જ ખાતા હતા. આમ પણ ડોકટર રોગચાળાથી બચવા લોકોને શુદ્ધ અને સાત્વિક ભોજન કરવાની સલાહ આપે છે. જે સલાહનું લોકોને લોકડાઉનમાં પાલન કરવાની ફરજ પડી હતી. કારણ કે બહાર ક્યાંય પણ જંડફૂડ સહિતના ખોરાક ઉપર પાબંધી હતી. જો કે ઘરનો આહાર ખાઈને લોકો તંદુરસ્ત મહેસુસ કરતા હોય લોકડાઉન હટી ગયા બાદ પણ ઘણા લોકો હજુ ઘરે રાંધેલો જ આહાર ખાય છે. આથી, રોગચાળો કાબુમાં આવ્યો છે.