પર્યાવરણ, આરોગ્યના સર્વધનના ઉદ્દેશ્ય સાથે પાંચ સાહસિકોએ સાયકલ ઉપર જ 3900 કિમીનો પ્રવાસ ખેડયો મોરબી : મહારાષ્ટ્ર અને હૈદ્રાબાદ સહિતના પાંચ શહેરોનો પાંચ સાહસિકોએ પર્યાવરણ અને આરોગ્યના સર્વધનના ઉદ્દેશ સાથે દ્રારકાથી અરુણાચલ પ્રદેશ (ઇટાનગર) સુધીની 3900 કિમીની સાયકલ યાત્રાની ગઈકાલથી સફર શરૂ કરી છે.આ પાંચ સાહસિકોની સાયકલ યાત્રા મોરબી આવી પહોંચી હતી ત્યારે સાર્થક વિદ્યામંદિરના સંચાલકો દ્વારા આ પાંચેય સાહસિકોનું ઉમળકાભેર સ્વાગત કરી તેમના માટે એક દિવસની જમવાની વ્યવસ્થા કરી હતી. ક્રીડા ભારતી ટાઇગર ગ્રુપ ઓફ એડવેન્ચરના નેજા હેઠળ મહારાષ્ટ્ર તેમજ હૈદરાબાદ સહિતના પાંચ શહેરમાં રહેતા 62 વર્ષીય બુઝુર્ગ રવિન્દ્ર તરારે, શ્રીકાંત યુકે, સંદીપ વૈધ, વિજય ભાસ્કર રેડી, નામદેવ રાઉતએ ગઈકાલથી ગુજરાતના દ્રારકા ખાતે દ્રારકાધીશના દર્શન કરીને સાયકલ યાત્રાની સફર કરી હતી.આ પાંચેય સાહસિકો દ્રારકાથી સાયકલ ઉપર અરુણાચલ પ્રદેશના ઇટાનગર સુધીની 3900 કિમીની યાત્રાએ નીકળ્યા છે.આ લોકોને કોઈ બાધા કે માનતા નથી પણ પરમાર્થના હિત ખાતર જ સાયકલ પ્રવાસ ખેડવાનું બીડું ઉઠાવ્યું છે. ગઈકાલે દ્રારકાથી નીકળેલી આ સાયકલ વિરોની સાયકલ યાત્રા આજે મોરબી આવી પહોંચી હતી અને મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે રોકાણ કર્યું હતું.જ્યાં કિશોરભાઈ શુક્લ સહિતનાએ આ સાઇકલવિરોનું ઉમળકાથી સ્વાગત કર્યું હતું અને તેમના માટે જમવાની વ્યવસ્થા કરી હતી. આ સાયકલ વિરોએ જણાવ્યું હતું કે, આજે લોકોની બેઠાડુ જીવનશૈલી થઈ ગઈ છે. વાહનો ચલાવવાની એટલી બધી મર્યાદા વધી ગઈ છે કે,કોઈને સાયકલ ચલાવવી ગમતી નથી.આજના સમયમાં કોઈ સાયકલ ચાલવતું નથી અને બેઠાડુ જીવનશૈલીથી માણસ અનેક રોગોનો શિકાર બની ગયો છે. જો કે વધુને વધુ સાયકલ ચલાવવાથી શરીર એકદમ તંદુરસ્ત રહે છે.બીમારી ક્યારેય સ્પર્શી શક્તિ નથી.તેમજ સાયકલના વધુ વપરાશ થાય તો વાહનોનો ઓછા ઉપયોગથી પેટ્રોલ ડીઝલ જેવા ઈંધણની બચત થશે અને સરવાળે પર્યાવરણનું સંતુલન જળવાઈ રહેશે.આ સંદેશ જનજન સુધી પહોંચાડવા માત્ર સાયકલ યાત્રા શરૂ કરી છે.જેમાં રોજનું સાયકલથી તેઓ સરેરાશ 150 થી વધુ કિમિનું અંતર કાપે છે અને 15 દિવસમાં પૂરેપૂરા 3900 કિમીનું અંતર કપાઈ જશે એવી શક્યતા વ્યક્ત કરી છે. સાયકલ યાત્રા દરમિયાન ઠેરઠેર વધુ સાયકલ ચલાવો અને આરોગ્ય તેમજ પર્યાવરણનું જતન કરો તેવો સંદેશ આપશે.